Musician Gaurang Vyas નું નિધન, ગુજરાતી સંગીત જગતને મોટી ખોટ, 100થી વધુ ફિલ્મોમાં આપ્યું છે સંગીત



Musician Gaurang Vyas Death
Musician Gaurang Vyas નું નિધન, ગુજરાતી સંગીત જગતને મોટી ખોટ, 100થી વધુ ફિલ્મોમાં આપ્યું છે સંગીત



Musician Gaurang Vyas Death
Musician Gaurang Vyas : તેમના નિધનના સમાચારથી ગુજરાતી કલા, સંગીત અને ફિલ્મ જગતમાં શોકની લાગણી પ્રસરી છે. ગૌરાંગ વ્યાસે ગુજરાતી સંગીતને પોતાની આગવી રચનાઓ અને સ્વરાંકનથી સમૃદ્ધ બનાવ્યું હતું.
સંગીતના સમૃદ્ધ વાતાવરણમાં ઉછરેલા ગૌરાંગ વ્યાસે નાની ઉંમરથી જ સ્વર અને તાલ પર પકડ મેળવી હતી. પિતા અવિનાશ વ્યાસ પાસેથી મળેલા સંગીતના વારસાને આગળ ધપાવી તેમણે ગુજરાતી સંગીત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી.
સુગમ સંગીતની રચનાઓ આજે પણ સંગીતપ્રેમીઓમાં લોકપ્રિય છે
ગૌરાંગ વ્યાસે 100થી વધુ ફિલ્મોમાં સંગીત નિર્દેશક તરીકે કામ કર્યું હતું. ગુજરાતી સિનેમાની અનેક યાદગાર ફિલ્મોમાં તેમનું સંગીત સાંભળવા મળ્યું હતું. ‘ભવની ભવાઈ’, ‘મણિયારો’, ‘નસીબની બલિહારી’, ‘પારકી થાપણ’ અને ‘મૈયરમાં મનડું નથી લાગતું’ જેવી ફિલ્મોમાં તેમના સંગીતનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું.
તેમની સંગીત પ્રતિભાની ખાસ વાત એ હતી કે તેમણે ગુજરાતી ગીતોને દેશના દિગ્ગજ ગાયકોના અવાજ સુધી પહોંચાડ્યા હતા. લતા મંગેશકર અને આશા ભોંસલે જેવા મહાન પાર્શ્વગાયકો પાસે તેમણે ગુજરાતી ગીતો ગવડાવ્યા હતા. તેમના અનેક ગરબા, ભજનો અને સુગમ સંગીતની રચનાઓ આજે પણ સંગીતપ્રેમીઓમાં લોકપ્રિય છે.
ગૌરાંગ વ્યાસનું નિધન ગુજરાતી સંગીત જગત માટે એક મોટી ખોટ
‘લાખ લાખ દિવડા’, ‘ઘોર અંધારી રે રાતલડીમાં’, ‘દીકરી તો પારકી થાપણ’ અને ‘તુ રંગાઈ જાને રંગમાં’ જેવી રચનાઓ તેમના સંગીત વારસાની યાદ અપાવે છે. ‘બેના રે’ જેવી રચનામાં તો પિતા અવિનાશ વ્યાસના શબ્દો અને પુત્ર ગૌરાંગ વ્યાસના સંગીતનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. ગૌરાંગ વ્યાસે ફિલ્મો ઉપરાંત સુગમ સંગીત, ગરબા, ભજનો અને નાટકો માટે પણ યાદગાર સ્વરાંકનો આપ્યા હતા.
ગુજરાતી સંગીત ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને GIFA તરફથી ગોલ્ડન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ગૌરાંગ વ્યાસનું નિધન ગુજરાતી સંગીત જગત માટે એક મોટી ખોટ છે. સંગીતપ્રેમીઓ અને કલાકારો માટે તેમની રચનાઓ અને સંગીત હંમેશા જીવંત રહેશે. અવિનાશ વ્યાસની સંગીત પરંપરાને આગળ ધપાવનાર ગૌરાંગ વ્યાસની વિદાય સાથે ગુજરાતી સંગીત જગતનો એક મહત્વનો અધ્યાય પૂર્ણ થયો છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



