Bhuvaneshwar Mahadev: અરવલ્લીના મઉં ગામે અનોખું ‘શિવદર્શન’, 275 ચિત્રોમાં ભક્તોને દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન



Bhuvaneshwar Mahadev
Bhuvaneshwar Mahadev: અરવલ્લીના મઉં ગામે અનોખું ‘શિવદર્શન’, 275 ચિત્રોમાં ભક્તોને દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન



Bhuvaneshwar Mahadev
Bhuvaneshwar Mahadev: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મઉં ગામે આવેલા સુપ્રસિદ્ધ પ્રાચીન ભુવનેશ્વર મહાદેવ મંદિર, જેને જૂના ભવનાથ મહાદેવ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં શ્રાવણ માસ નિમિત્તે અનોખા ‘શિવદર્શન’નું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શિવની વિવિધ મુદ્રાઓ તેમજ દેશના દ્વાદશ જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા 275 ચિત્રો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. માત્ર ત્રણ રંગોના ઉપયોગથી તૈયાર થયેલી આ કલાકૃતિઓ શિવભક્તોમાં વિશેષ આકર્ષણ જમાવી રહી છે.
275 ચિત્રોમાં શિવની વિવિધ મુદ્રાઓ અને જ્યોતિર્લિંગની ઝલક
પવિત્ર શ્રાવણ મહિનામાં યોજાયેલા આ શિવદર્શનમાં ભગવાન શિવની વિવિધ મુદ્રાઓ અને દેશના 12 જ્યોતિર્લિંગને ચિત્રોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. અમદાવાદના શિવભક્ત હસમુખભાઈ પટેલે આ તમામ 275 ચિત્રો તૈયાર કર્યા છે. ખાસ વાત એ છે કે ચિત્રોમાં માત્ર લાલ, કાળા અને સફેદ એમ ત્રણ રંગોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.
ચિત્રકળાની તાલીમ નહીં, શિવકૃપાને માને છે કળા
હસમુખભાઈ પટેલે ચિત્રકળાની કોઈ ઔપચારિક તાલીમ લીધી નથી. તેઓ પોતાની આ કળાને ભગવાન શિવની કૃપા માને છે. તેમની શિવદર્શન યાત્રા વર્ષ 2006માં સોમનાથ જ્યોતિર્લિંગથી શરૂ થઈ હતી અને વર્ષ 2017માં ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પૂર્ણ થઈ હતી.
12 જ્યોતિર્લિંગ બાદ પ્રાચીન શિવ મંદિરોમાં શિવદર્શન
દેશના તમામ 12 જ્યોતિર્લિંગમાં શિવદર્શન યોજ્યા બાદ હવે ગુજરાતના પ્રાચીન શિવ મંદિરો સુધી આ અનોખી કૃતિઓ પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. અગાઉ ભીમનાથ મહાદેવ, ઘેલા સોમનાથ, ગોપનાથ અને વર્ષ 2025માં સાબરકાંઠાના સપ્તેશ્વર મહાદેવ ખાતે પણ શિવદર્શનનું આયોજન થઈ ચૂક્યું છે.
ત્રણ દિવસ માટે ભક્તો માટે વિશેષ આયોજન
હવે મઉં ગામના ભુવનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ત્રણ દિવસ માટે શિવદર્શનનું આયોજન કરાયું છે. અહીં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી રહ્યા છે અને 275 ચિત્રોના માધ્યમથી ભગવાન શિવ તથા દ્વાદશ જ્યોતિર્લિંગની અનુભૂતિ કરી રહ્યા છે.
સમગ્ર મંદિર પરિસર બન્યું શિવમય
આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ ભગવાન શિવનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો અને શ્રાવણ માસ દરમિયાન ભક્તોને એક જ સ્થળે દ્વાદશ જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવવાનો છે. અનોખી ચિત્રકળા અને ભક્તિમય માહોલના કારણે સમગ્ર ભુવનેશ્વર મહાદેવ મંદિર પરિસર શિવમય બની ગયું છે.




