SBI Q2 Results: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નફામાં 14.27 ટકાનો વધારો, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રૂપિયા 23,038 કરોડનો નફો

SBI Q2 Results: દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ નાણાકીય વર્ષ 2026-27ના જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા છે.
Kunjan Shukla
State bank of india Q2 ResultsState bank of india Q2 Results

State bank of india Q2 Results

SBI Q2 Results: દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ નાણાકીય વર્ષ 2026-27ના જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા છે. બેન્કના સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 14.27 ટકાનો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા ત્રિમાસિકમાં બેન્કનો ચોખ્ખો નફો વધીને રૂપિયા 23,037.95 કરોડ થયો છે. ગત વર્ષે સમાન સમયગાળામાં બેન્ક રૂપિયા 20,159.67 કરોડનો નફો નોંધાવ્યો હતો.

ગયા વર્ષે આ આંકડો રૂપિયા 42,847 કરોડ હતો

બેન્કની નેટ ઈન્ટરેસ્ટ ઇન્કમ (NII)માં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. વાર્ષિક ધોરણે 14.7 ટકાના વધારા સાથે NII રૂપિયા 49,142 કરોડ રહી છે. ગયા વર્ષે આ આંકડો રૂપિયા 42,847 કરોડ હતો. જ્યારે ડોમેસ્ટિક નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 3.11 ટકા નોંધાયું છે, જે ગયા વર્ષે 3.08 ટકા હતું. SBIની કુલ સ્ટેન્ડઅલોન આવકમાં 6.5 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર 2026 ત્રિમાસિકમાં બેન્કની આવક વધીને રૂપિયા 1,43,796 કરોડ થઈ છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં આવક રૂપિયા 1,34,979.47 કરોડ હતી. આ ઉપરાંત ઓપરેટિંગ પ્રોફિટમાં 7.28 ટકાનો વધારો થઈને તે રૂપિયા 34,226 કરોડ નોંધાયો છે.

એનપીએમાં પણ થયો સુધારો

SBIની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો નોંધાયો છે. બેન્કનો ગ્રોસ NPA રેશિયો ઘટીને 1.39 ટકા થયો છે, જે ગયા વર્ષે 1.73 ટકા હતો. જ્યારે નેટ NPA રેશિયો 0.42 ટકાથી ઘટીને 0.36 ટકા થયો છે. બેન્કનું રિટર્ન ઓન એસેટ્સ 1.19 ટકા નોંધાયું છે. સપ્ટેમ્બર 2026ના અંતે બેન્કની કુલ લોન રૂપિયા 60.05 લાખ કરોડ રહી હતી, જ્યારે ડિપોઝિટમાં 12.27 ટકાનો વધારો થઈને તે રૂપિયા 62.77 લાખ કરોડ થઈ હતી.

શેરમાં ઘટાડો

બીજી તરફ, 3 નવેમ્બરના રોજ SBIના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. BSE પર શેર 1.8 ટકા ઘટીને રૂપિયા 968.85ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. બેન્કનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 8.99 લાખ કરોડથી વધુ છે. છેલ્લા છ મહિનામાં શેરમાં આશરે 12 ટકાનો ઘટાડો નોંધાયો છે.

નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.

આ પણ વાંચો: Stock Market Rally: દિવાળી પહેલા શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સમાં સતત બીજા દિવસે 1,000થી વધુ પોઈન્ટનો ઉછાળો