FPI Selling: ઓક્ટોબરમાં વિદેશી રોકાણકારોની શેરબજારમાંથી રૂપિયા 34,843 કરોડની વેચવાલી, 2026માં કુલ રૂપિયા 2.95 લાખ કરોડ પાછા ખેંચ્યા

રોકાણકારો (FPI) દ્વારા સતત વેચવાલીનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર 2026 દરમિયાન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી રૂપિયા 34,843 કરોડના શેરની નેટ વેચવાલી કરી છે.
Kunjan ShuklaUpdated on: 01 Nov 2026 05:49 PM IST
FPI Selling: ઓક્ટોબરમાં વિદેશી રોકાણકારોની શેરબજારમાંથી રૂપિયા 34,843 કરોડની વેચવાલી, 2026માં કુલ રૂપિયા 2.95 લાખ કરોડ પાછા ખેંચ્યાFPI Selling: ઓક્ટોબરમાં વિદેશી રોકાણકારોની શેરબજારમાંથી રૂપિયા 34,843 કરોડની વેચવાલી, 2026માં કુલ રૂપિયા 2.95 લાખ કરોડ પાછા ખેંચ્યા

FPI Selling

FPI Selling: ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારો (FPI) દ્વારા સતત વેચવાલીનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર 2026 દરમિયાન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી રૂપિયા 34,843 કરોડના શેરની નેટ વેચવાલી કરી છે. આ સતત બીજો મહિનો છે, જ્યારે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી મોટી રકમ પાછી ખેંચી છે. આ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ FPIએ રૂપિયા 35,861 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું હતું.

સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL)ના આંકડા અનુસાર, ઓક્ટોબરની વેચવાલી બાદ વર્ષ 2026માં અત્યાર સુધી ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોની કુલ નેટ ઉપાડ રૂપિયા 2.95 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. જોકે, જુલાઈમાં FPIએ રૂપિયા 20,200 કરોડ અને ઓગસ્ટમાં રૂપિયા 29,631 કરોડનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તેમની રણનીતિ બદલાઈ હતી.

કાચા તેલના ભાવ અને વૈશ્વિક વ્યાજદરની અસર

વિદેશી રોકાણકારોની વેચવાલી પાછળ કાચા તેલના ઊંચા ભાવ, વૈશ્વિક સ્તરે વ્યાજદરમાં વધારો અને કંપનીઓની કમાણી અંગેની અનિશ્ચિતતા મુખ્ય કારણો માનવામાં આવે છે. કાચા તેલના ભાવમાં વધારાથી ભારતમાં મોંઘવારી વધવાની અને કંપનીઓના નફા પર દબાણ આવવાની આશંકા છે. બીજી તરફ, અમેરિકામાં બોન્ડ યીલ્ડ આકર્ષક બનતાં વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં પાછાં ખેંચી રહ્યા છે.

ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં ખરીદીનો માહોલ

જોકે, ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં વિદેશી રોકાણકારોનો અભિગમ બદલાતો જોવા મળ્યો હતો. 26થી 30 ઓક્ટોબર દરમિયાન FPIએ ભારતીય શેરબજારમાં આશરે રૂપિયા 6,300 કરોડનું રોકાણ કર્યું હતું. અમેરિકન ફેડરલ રિઝર્વનો વ્યાજદર સ્થિર રાખવાનો નિર્ણય, ભારતીય લાર્જ-કેપ શેરોનું આકર્ષક વેલ્યુએશન અને સ્થાનિક અર્થતંત્રની મજબૂતીને આ બદલાવ પાછળનાં કારણો માનવામાં આવે છે. વિદેશી રોકાણકારોએ નાણાકીય ક્ષેત્રના મોટા શેરોમાં વેચવાલી ચાલુ રાખી હતી, જ્યારે ફાર્મા અને હેલ્થકેર ક્ષેત્રમાં ખરીદી કરી હતી. હવે રોકાણકારોની નજર કાચા તેલના ભાવ, વૈશ્વિક રાજકીય તણાવ અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો પર રહેશે. અંતિમ સપ્તાહની ખરીદીથી બજારને રાહત મળી છે, પરંતુ FPIની વેચવાલી સંપૂર્ણપણે અટકી ગઈ છે એવું માનવું વહેલું ગણાશે.

નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.

આ પણ વાંચો: India Coal Import: દેશમાં ઘરેલું કોલસાનું ઉત્પાદન વધતાં આયાતમાં 5.83%નો ઘટાડો, ઑગસ્ટમાં 104.57 મિલિયન ટન કોલસો આયાત થયો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.