Shamlaji Temple Record: અરવલ્લીના 1500 વર્ષ પ્રાચીન શામળાજી મંદિરનું નામ ‘વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ’માં નોંધાયું, આંતરરાષ્ટ્રીય સ્તરે મળી ઓળખ

Shamlaji Temple Record: ગુજરાતના અરવલ્લી જિલ્લાના ઐતિહાસિક શામળાજી મંદિર માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અંદાજે 1500 વર્ષ પ્રાચીન માનવામાં આવતા શામળાજી મંદિરનું નામ ‘વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ’માં રજિસ્ટર થયું.
Nisha Parmar
Nisha Parmar
Shamlaji Temple Aravalli World Record of Excellence શામળાજી મંદિરShamlaji Temple Aravalli World Record of Excellence શામળાજી મંદિર

Shamlaji Temple Aravalli World Record of Excellence શામળાજી મંદિર

Shamlaji Temple Record: ગુજરાતના અરવલ્લી જિલ્લાના ઐતિહાસિક શામળાજી મંદિર માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અંદાજે 1500 વર્ષ પ્રાચીન માનવામાં આવતા શામળાજી મંદિરનું નામ ‘વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ’માં રજિસ્ટર થયું છે. મંદિરની ભવ્યતા, ઐતિહાસિક વારસો અને ધાર્મિક મહત્ત્વને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવતી આ સિદ્ધિ બદલ મંદિરને સન્માનિત કરવામાં આવ્યું છે. જ્યુરી ટીમ દ્વારા સંપૂર્ણ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંદિરને સત્તાવાર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

જ્યુરીના વેરિફિકેશન બાદ મળ્યું સન્માન

શામળાજી મંદિરની ઐતિહાસિક ઓળખ અને વિશેષતાઓની ચકાસણી માટે ‘વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ’ની જ્યુરી ટીમ દ્વારા વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંદિરનું નામ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. આ સન્માનથી ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે ઓળખ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મંદિર પ્રાંગણમાં અર્પણ કરાયું ઓફિશિયલ સર્ટિફિકેટ

‘વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ’ના વાઇસ પ્રેસિડેન્ટ સંજય પંજવાણીએ શામળાજી મંદિરના પ્રાંગણમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ઓફિશિયલ સર્ટિફિકેટ અર્પણ કર્યું હતું. મંદિર ટ્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ રણવીરસિંહજીએ આ પ્રમાણપત્ર સ્વીકાર્યું હતું. આ પ્રસંગે મંદિર સાથે જોડાયેલા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જાન્યુઆરીમાં દિલ્હીના ભારત મંડપમમાં ભવ્ય સમારોહ

આગામી જાન્યુઆરી મહિનામાં દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનારા ભવ્ય સમારોહમાં મંદિરને ફાઇનલ સર્ટિફિકેટ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં શામળાજી મંદિરની આ સિદ્ધિને ઔપચારિક રીતે રજૂ કરવામાં આવશે. આ સન્માનથી મંદિરની ઓળખ માત્ર ગુજરાત પૂરતી નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મેશ્વો નદીના કિનારે આવેલું ઐતિહાસિક તીર્થધામ

શામળાજી મંદિર અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીના કિનારે આવેલું ભગવાન વિષ્ણુનું પ્રસિદ્ધ તીર્થસ્થળ છે. મંદિરની સ્થાપત્યકળા, પથ્થરો પરની સુંદર કોતરણી અને ધાર્મિક પરંપરાઓ તેને વિશેષ ઓળખ આપે છે. મંદિરને ‘ધોળી ધજાવાળા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે કારતક પૂર્ણિમા દરમિયાન અહીં મોટો મેળો ભરાય છે, જેમાં ગુજરાત અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.

આ પણ વાંચો : Mumbai Black Magic Fraud: મુંબઈમાં અંધશ્રદ્ધા અને શ્રાપનો ડર બતાવી વૃદ્ધ દંપતી સાથે ₹6.38 કરોડની ઠગાઈ, 4 ફ્લેટ વેચાવ્યા