Salangpur : રુદ્રાક્ષની માળા, વાઘામ્બર અને શીશ પર અર્ધચંદ્ર, શિવસ્વરૂપે સજાયા શ્રી કષ્ટભંજનદેવને

Salangpur : શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભક્તિમય માહોલ વચ્ચે દાદાનો અનોખો શિવસ્વરૂપ શણગાર કરવામાં આવ્યો હતો.
Vivek Shah
Vivek Shah
SalangpurSalangpur

Salangpur

Salangpur : શ્રાવણ માસના સોમવાર નિમિત્તે મંદિરના ગર્ભગૃહમાં હિમાલય થીમ આધારિત દિવ્ય શણગાર કરવામાં આવતા ભક્તોમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ કષ્ટભંજનદેવને ભગવાન શિવના સ્વરૂપમાં વિશેષ રીતે શણગારવામાં આવ્યા હતા.

દાદાના શણગારમાં રુદ્રાક્ષની માળાઓ, વાઘામ્બર તેમજ શીશ પર અર્ધચંદ્ર સહિતની વિશેષ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કષ્ટભંજનદેવને કરાયો અનોખો શિવ શણગાર

હિમાલયની આધ્યાત્મિક અનુભૂતિ કરાવતો આ શણગાર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સોમવારે વહેલી સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી કરવામાં આવી હતી. આરતી દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.

કષ્ટભંજનદેવના શિવસ્વરૂપના આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન માધ્યમથી લીધો હતો અને દાદાના દિવ્ય સ્વરૂપના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. શ્રાવણ માસ દરમિયાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે પણ વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન પવિત્ર બ્રાહ્મણો દ્વારા શિવપૂજન કરવામાં આવશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવશે.

સાળંગપુરમાં શ્રાવણની ભક્તિનો રંગ

સાળંગપુરધામ ખાતે તા.13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 સુધી શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત અનેકવિધ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દર શનિવારે વિવિધ પ્રકારના દિવ્ય અન્નકૂટ દર્શન યોજાશે, જેમાં ફ્રૂટ અન્નકૂટ, છપ્પન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ તેમજ ડ્રાયફ્રૂટ-મીઠાઈ અન્નકૂટનો સમાવેશ થાય છે.

દર મંગળવારે સંગીતમય સુંદરકાંડ પાઠ, સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દૈનિક મારુતિ યજ્ઞ, દર રવિવારે સાંજે 4:45 કલાકે દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન અને મહાસંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. દર સોમવારે દાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગાર કરવામાં આવશે. આ ઉપરાંત શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન સાથે સત્સંગ કથા તેમજ શ્રીકૃષ્ણ જન્મોત્સવ સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન સાળંગપુરધામમાં ભક્તિ, સેવા અને ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ શિવમય બની રહ્યું છે.

આ પણ વાંચો : Surat : હાથ બાંધી ગળું દબાવી યુવતીની કરાઈ હત્યા, માતા-પિતા બહાર ગયા તે દરમિયાન બની ઘટના