Mahant Swami Maharaj Navsari : 7 વર્ષ બાદ મહંત સ્વામી મહારાજ નવસારી પધારશે, 260 યુવક-યુવતીઓના ઉપવાસ સાથે ભવ્ય સ્વાગતની તૈયારી શરૂ


Mahant Swami Maharaj Navsari મહંત સ્વામી મહારાજ નવસારી પધારશે
Mahant Swami Maharaj Navsari : 7 વર્ષ બાદ મહંત સ્વામી મહારાજ નવસારી પધારશે, 260 યુવક-યુવતીઓના ઉપવાસ સાથે ભવ્ય સ્વાગતની તૈયારી શરૂ


Mahant Swami Maharaj Navsari મહંત સ્વામી મહારાજ નવસારી પધારશે
Mahant Swami Maharaj Navsari : દક્ષિણ ગુજરાતના હરિભક્તો માટે આનંદના સમાચાર છે. તેમના આગમનના સમાચારથી નવસારી સહિત ડાંગ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના હરિભક્તોમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્વામીના ભવ્ય સ્વાગત માટે નવસારીના ગ્રીડ પાસે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા દોઢ મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે. મંદિર પરિસરની સફાઈ, વિશાળ સભામંડપ, ભોજનશાળા, પાર્કિંગ ઝોન અને આકર્ષક સુશોભન સહિતની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
નવસારીમાં 6 ડિસેમ્બરે ભવ્ય ભક્તિ તુલા મહોત્સવ
સ્વામીના આગમનને યાદગાર બનાવવા હરિભક્તો દ્વારા અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. મહિલા મંડળ દ્વારા ઠાકોરજી સાથે હજારો ઘરોમાં પધરામણી કરીને સ્વામીશ્રીના આગમનનો સંદેશ પહોંચાડવામાં આવ્યો છે. છેલ્લા એક મહિનાથી નવસારી ઉપરાંત બીલીમોરા, ગણદેવી, વાંસદા, વઘઈ, ઊંડાચ, ઓજલ અને અબ્રામા સહિતનાં ગામોમાંથી દરરોજ રાત્રે 9 વાગ્યે 150થી વધુ હરિભક્તો મંદિરે એકત્ર થઈ ચાર કલાક સુધી શ્રમદાન કરી રહ્યા છે.
આ ઉપરાંત સ્વામીના સ્વાગત માટે 130 યુવકો અને 130 યુવતીઓ સાકળ ઉપવાસ કરી રહ્યા છે. દરરોજ પાંચ યુવકો નિર્જળા અથવા સજળા ઉપવાસની તપશ્ચર્યા કરી રહ્યા છે. અનેક યુવા હરિભક્તોએ સતત 93 કલાકના ઉપવાસનો સંકલ્પ પણ લીધો છે. આધ્યાત્મિક આરાધનાના ભાગરૂપે મહંત સ્વામી મહારાજે નવસારીમાં ભેટ આપેલા 315 શ્લોકના 'સત્સંગ દીક્ષા' ગ્રંથના નિત્ય પઠનનો વિશેષ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. મહિલા મંડળની દરેક બહેને સ્વામીશ્રીના આગમન સુધીમાં 93 વખત ગ્રંથનું પઠન કરવાનો સંકલ્પ લીધો છે.
BAPS મંદિરમાં ભવ્ય તૈયારીઓ
સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ વિશેષ તૈયારીઓ ચાલી રહી છે. 100થી વધુ બાળકો, 60થી વધુ યુવકો અને 60થી વધુ વરિષ્ઠ નાગરિકો સંતોના માર્ગદર્શન હેઠળ રિહર્સલ કરી રહ્યા છે. સ્વામીના રોકાણ દરમિયાન નિયમિત સત્સંગ સભાઓ ઉપરાંત તપોમૂર્તિ નીલકંઠવર્ણી પ્રભુની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા અને સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞની દ્વિતીય કુટીરનો મંગલ પ્રારંભ થશે. વિશેષરૂપે, આગામી 6 ડિસેમ્બરે પૂર્ણા નદીના કિનારે આવેલી અક્ષરવાડી ખાતે ભવ્ય 'ભક્તિ તુલા મહોત્સવ' યોજાશે.
તેમાં હજારો હરિભક્તો જોડાશે તેવી અપેક્ષા છે. આમ, મહંત સ્વામી મહારાજના આગમનને લઈને સમગ્ર નવસારી અને દક્ષિણ ગુજરાતમાં ભક્તિ, સેવા અને સમર્પણનો અનોખો માહોલ છવાયો છે.




