Dakor Tulsi Vivah: ડાકોરમાં ઠાકોરજી અને તુલસી માતાના શાહી વિવાહ સંપન્ન, ભક્તિ અને ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા ભક્તો


Dakor Tulsi Vivah: ડાકોરમાં રણછોડરાયજી અને તુલસી માતાના શાહી વિવાહ
Dakor Tulsi Vivah: ડાકોરમાં ઠાકોરજી અને તુલસી માતાના શાહી વિવાહ સંપન્ન, ભક્તિ અને ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા ભક્તો


Dakor Tulsi Vivah: ડાકોરમાં રણછોડરાયજી અને તુલસી માતાના શાહી વિવાહ
Dakor Tulsi Vivah: ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ભગવાન શ્રી રણછોડરાયજી અને તુલસી માતાના શાહી વિવાહ ભક્તિમય માહોલમાં સંપન્ન થયા છે. મંદિર પરિસરમાં ભક્તોના ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ વચ્ચે ઠાકોરજીના લગ્નોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ડાકોર નગર ભક્તિના રંગે રંગાયું હતું અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ પવિત્ર પ્રસંગના સાક્ષી બન્યા હતા.
મંદિરનો શણગાર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર
ઠાકોરજી અને તુલસી માતાના વિવાહ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવ્યા હતા. કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા ધાર્મિક પરંપરા મુજબ લગ્નની વિધિઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે અંદાજે 14 જેટલા કુંજ મંડપોમાં શ્રીજીના સુવર્ણ સ્વરૂપને તુલસી માતા સાથે સોનાની ખુરશીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.
શાહી વિવાહના પ્રસંગે મંદિર પરિસરને દીપમાળા, દિવડાઓ અને ઝળહળતી રોશનીથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. મંદિરનો શણગાર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઠાકોરજીની જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આતશબાજીથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું.
ઠાકોરજીના અલૌકિક દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી
આ પવિત્ર પ્રસંગે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર ખાતે ઉમટી પડ્યા હતા. ભક્તોએ લગ્નગીતો અને ભજનના તાલે નૃત્ય કરી આનંદ વ્યક્ત કર્યો હતો. ઠાકોરજીના અલૌકિક દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
ડાકોરમાં યોજાયેલા આ શાહી તુલસી વિવાહે ધાર્મિક પરંપરા, ભક્તિ અને ઉત્સવનો અનોખો સંગમ સર્જ્યો હતો. સમગ્ર યાત્રાધામમાં જય રણછોડના નાદ સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: White Rann Kutch: કચ્છ કલેક્ટરની ધોરડો સફેદ રણની મુલાકાત, પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા




