Rajkot Navratri 2026 : ખોડલધામમાં નવરાત્રિનો ભવ્ય પ્રારંભ, કાગવડથી મંદિર સુધી નીકળી પદયાત્રા



Khodaldham Celebrates Navratri
Rajkot Navratri 2026 : ખોડલધામમાં નવરાત્રિનો ભવ્ય પ્રારંભ, કાગવડથી મંદિર સુધી નીકળી પદયાત્રા



Khodaldham Celebrates Navratri
Rajkot Navratri 2026 : દર વર્ષની પરંપરા જાળવીને સતત 16મા વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે કાગવડથી શ્રી ખોડલધામ મંદિર સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં ગુજરાતભરમાંથી લેઉવા પટેલ સમાજના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
પદયાત્રાનો પ્રારંભ સવારે 9 વાગ્યે કાગવડ ગામથી નરેશ પટેલની આગેવાનીમાં ‘જય માં ખોડલ’ના જયઘોષ સાથે થયો હતો. સૌપ્રથમ માં ખોડલના રથની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભક્તો ગરબે રમતાં અને માતાજીના જયજયકાર કરતા પદયાત્રામાં જોડાયા હતા. ભક્તિભાવ અને ઉત્સાહ વચ્ચે પદયાત્રા શ્રી ખોડલધામ મંદિર પહોંચી હતી.
ભક્તિભાવથી નવરાત્રિનો પ્રારંભ
મંદિરે પહોંચ્યા બાદમાં ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના શિખર પર નરેશ પટેલ દ્વારા ધ્વજારોહણ કરીને નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
ધ્વજારોહણ બાદ મંદિર પરિસરમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના રાજકીય આગેવાનો, ખોડલધામ ટ્રસ્ટના હોદ્દેદારો અને વિવિધ સમિતિઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પદયાત્રામાં ખોડલધામ સંગઠનનાં અધ્યક્ષ અનાર પટેલ, ધારાસભ્ય જયેશ રાદડિયા, રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી સહિતના આગેવાનો જોડાયા હતા.
પદયાત્રા-યજ્ઞ અને સ્નેહમિલનનું આયોજન
નવરાત્રિના પ્રથમ નોરતે ખોડલધામ મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સભ્યો, જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય કન્વીનરો, મહિલા સમિતિ, વિદ્યાર્થી સમિતિ તથા યુવા સમિતિના સભ્યોએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
નવરાત્રિના નવેય દિવસ દરમિયાન મંદિરને લાઇટિંગ અને ફૂલોથી શણગારવામાં આવશે. માતાજીને દરરોજ વિવિધ શણગાર અર્પણ કરવામાં આવશે તેમજ ધ્વજારોહણ સહિતની ધાર્મિક પરંપરાઓ દ્વારા આરાધના કરવામાં આવશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિત ઉપસ્થિત ભક્તોએ વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. આ રીતે ખોડલધામ ખાતે પદયાત્રા, મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞ સાથે નવરાત્રિ મહોત્સવનો ભક્તિમય પ્રારંભ થયો હતો.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





