‘તમારી સાથે નજીકથી કામ કરવા આતુર...’ નેપાળના નવા PM બાલેન્દ્ર શાહે PM મોદીનો આભાર માન્યો



‘તમારી સાથે નજીકથી કામ કરવા આતુર...’ નેપાળના નવા PM બાલેન્દ્ર શાહે PM મોદીનો આભાર માન્યો



Nepal PM Message to Narendra Modi: નેપાળના નવા પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહે શનિવારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અભિનંદન પાઠવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વિકાસ માટે આશા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે બાલેન્દ્ર શાહને નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા હતા અને બંને દેશોના નાગરિકોના હિત માટે બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ ઊંચાઈએ લઈ જવા માટે તેમની સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
'સાથે મળીને કામ કરવા આતુર'
પીએમ મોદીનો આભાર માનતા નેપાળના પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે, ‘પીએમ નરેન્દ્ર મોદી તમારા શબ્દો અને શુભેચ્છાઓ બદલ આભાર. હું આપણા બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે તમારી સાથે કામ કરવા આતુર છું.’ પીએમ મોદીએ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના (RSP) સંસદીય પક્ષના નેતા બાલેન્દ્ર શાહને નેપાળના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બાલેન્દ્ર શાહને અભિનંદન આપતા પીએમ મોદીએ લખ્યું હતું કે, ‘નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ બાલેન્દ્ર શાહને ખૂબ ખૂબ અભિનંદન. તમારી નિમણૂક નેપાળના લોકોએ તમારા નેતૃત્વમાં મૂકેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. હું ભારત-નેપાળ મિત્રતા અને સહયોગને આપણા બંને દેશોના લોકોના પરસ્પર લાભ માટે વધુ ઊંચાઈએ લઈ જવા માટે તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું.’
શુક્રવારે બાલેન્દ્ર શાહે પીએમ તરીકે શપથ લીધા
બાલેન્દ્ર શાહે શુક્રવારે રાષ્ટ્રપતિ સમક્ષ પીએમ તરીકે શપથ લીધા હતા. તમને જણાવી દઈએ કે, પીએમ બાલેન્દ્ર શાહનો શપથ ગ્રહણ સમારોહ હિન્દુ વિધિ મુજબ પૂર્ણ થયો હતો. વૈદિક સનાતન પરંપરા મુજબ આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પ્રથમ વખત સાત શંખ ફૂંકવામાં આવ્યા હતા. આ પહેલી વાર છે કે, જ્યારે મધેસી સમુદાયનો કોઈ નેતા પ્રધાનમંત્રી બન્યો છે. આ સાથે નેપાળને પહેલીવાર તેનો સૌથી નાની ઉંમરનો પ્રધાનમંત્રી મળ્યો છે. તાજેતરની ચૂંટણીઓમાં ચૂંટાયેલા મોટાભાગના ધારાસભ્યો યુવાનોનું પ્રતિનિધિત્વ કરે છે, જે નેપાળના રાજકારણમાં પેઢીગત પરિવર્તન દર્શાવે છે.




