અમદાવાદ આગ દુર્ઘટના અને યુગાન્ડા બસ અકસ્માતના મૃતકોને મોરારિ બાપુની શ્રદ્ધાંજલિ, પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત


ફાઈલ ફોટો
અમદાવાદ આગ દુર્ઘટના અને યુગાન્ડા બસ અકસ્માતના મૃતકોને મોરારિ બાપુની શ્રદ્ધાંજલિ, પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત


ફાઈલ ફોટો
અમદાવાદ/કેન્યા: કેન્યાના કેરિચો ખાતે ચાલી રહેલી રામકથા દરમિયાન પૂજ્ય મોરારિ બાપુએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં થયેલી આગની દુર્ઘટના તેમજ યુગાન્ડામાં થયેલા બસ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સાથે જ મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી છે.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં તાજેતરમાં લાગેલી ભીષણ આગમાં પ્રાપ્ત માહિતી અનુસાર 9 લોકોના કરુણ મોત થયા હતા, જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનાને લઈને મોરારિ બાપુએ ઊંડું દુઃખ વ્યક્ત કરતાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
બાપુએ આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને રૂ. 15 હજાર મુજબ કુલ રૂ. 1.35 લાખની સહાય અર્પણ કરવાની જાહેરાત કરી છે.
આ ઉપરાંત, 18 જુલાઈના રોજ મહુવા નેશનલ હાઇવે પર થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા એક વ્યક્તિના પરિવારને પણ રૂ. 15 હજારની સહાય આપવામાં આવશે.
બીજી તરફ, પૂર્વ યુગાન્ડાના કાપચોરવા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ સીપી ધોધની મુલાકાતે ગયેલા શાળાના વિદ્યાર્થીઓની બસ અકસ્માતગ્રસ્ત થતાં 20 બાળકો સહિત કુલ 21 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાને લઈને પણ મોરારિ બાપુએ શોક વ્યક્ત કર્યો હતો.
યુગાન્ડા અકસ્માતમાં મૃત્યુ પામેલા 21 લોકોના પરિવારને રૂ. 15 હજાર લેખે કુલ રૂ. 3.15 લાખની સહાય આપવામાં આવશે. આ સહાયની રકમ કેન્યામાં ચાલી રહેલી રામકથાના સ્થાનિક શ્રોતાઓ દ્વારા સ્થાનિક ચલણમાં સંબંધિત પરિવારજનો સુધી પહોંચાડવામાં આવશે.
મોરારિ બાપુએ ત્રણેય દુર્ઘટનામાં જીવ ગુમાવનાર આત્માઓના શાંતિ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી અને શોકસંતપ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી કામના વ્યક્ત કરી હતી.




