ફર્લો પર જેલમાંથી બહાર આવેલા મોન્ટુ નામદાર સામે વધુ બે ગુના નોંધાયા, ફરી જેલ હવાલે કરવાની કાર્યવાહી



ફર્લો પર જેલમાંથી બહાર આવેલા મોન્ટુ નામદાર સામે વધુ બે ગુના નોંધાયા, ફરી જેલ હવાલે કરવાની કાર્યવાહી



અમદાવાદ: અમદાવાદના ખાડિયા વિસ્તારમાં કુખ્યાત મોન્ટુ નામદાર ફરી એકવાર કાયદાના ચક્રવ્યૂહમાં ફસાયો છે. અગાઉ ખાડિયા પોલીસ સ્ટેશનમાં મર્ડર કેસમાં આરોપી રહેલા મોન્ટુ નામદારને વડોદરા જેલમાંથી ફર્લો રજા પર 8 જૂનના રોજ મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે જેલમાંથી બહાર આવ્યા બાદ જ તેના વિરુદ્ધ ગંભીર ફરિયાદો સામે આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, 9 જૂનના રોજ મોન્ટુ નામદારે ખાડિયા હત્યા કેસના ફરિયાદી પક્ષના એક સાક્ષીને ડરાવવાનો, ધમકાવવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની માહિતી મળી હતી. ઘટનાને લઈને પોલીસ કંટ્રોલ રૂમમાં 112 પર કોલ મળતા ખાડિયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
પોલીસને જોઈ મોન્ટુ નામદારે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, જ્યાં કરાયેલા પ્રાથમિક એસેસમેન્ટમાં તેને ઇજા થઈ હોવાનું સામે આવ્યું હતું. સાથે જ તે નશાની હાલતમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આ મામલે પોલીસે ફરિયાદીના જણાવ્યા આધારે જાનથી મારી નાખવાની ધમકી, ગાળાગાળી અને બીભત્સ વર્તન સહિતના ગુનાઓ નોંધ્યા છે. ઉપરાંત મોન્ટુ નામદાર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન 12 જૂનના રોજ મોન્ટુ નામદાર સામે ત્રીજો ગુનો પણ નોંધાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, મેડિકલ તપાસ માટે લઈ જતી વખતે તેણે પોલીસ કર્મચારીઓને અપશબ્દો કહ્યા હતા, ધમકીઓ આપી હતી અને સરકારી ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો.
હાલ મોન્ટુ નામદારને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે, જેમાં તેના પગમાં ફ્રેક્ચર પણ થયું હોવાનું જાણવા મળ્યું છે. ફર્લો રજાની મુદત પૂર્ણ થતાં અને રજા લંબાવવાની મંજૂરી ન મળતાં તેને ફરી જેલ હવાલે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સમગ્ર મામલે ખાડિયા પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.




