7 વર્ષથી ફરાર લતીફ ગેંગનો શાર્પ શૂટર ઝડપાયો, ઉદેપુરમાં નામ બદલી જીવી રહ્યો હતો જીવન



7 વર્ષથી ફરાર લતીફ ગેંગનો શાર્પ શૂટર ઝડપાયો, ઉદેપુરમાં નામ બદલી જીવી રહ્યો હતો જીવન



અમદાવાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાત વર્ષથી ફરાર એવા ગુનેગારને ઝડપી પાડ્યો છે, જે એક સમયે કુખ્યાત અબ્દુલ લતીફ ગેંગનો સૌથી વિશ્વાસુ શૂટર ગણાતો હતો. રાધિકા જિમખાના હત્યાકાંડ અને પૂર્વ સાંસદ રઉફ વલીઉલ્લાહ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો મોહમ્મદ તસ્લીમ પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. રાજસ્થાનના ઉદેપુરમાં નામ અને ઓળખ બદલી પરિવાર સાથે સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી રહેલા તસ્લીમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સફળ ઓપરેશન દ્વારા ઝડપી લીધો છે.
વર્ષ 1992માં અમદાવાદ ગેંગવોરના કાળા સમયગાળામાં કુખ્યાત અબ્દુલ લતીફના આદેશ પર રાધિકા જિમખાના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પ્રથમ વખત AK-47 જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ થયો હતો અને 9 લોકોના મોત નિપજ્યા હતા. આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો મોહમ્મદ તસ્લીમ વર્ષ 2019માં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ છેલ્લા સાત વર્ષથી તે સતત પોતાનું ઠેકાણું અને ઓળખ બદલતો રહ્યો હતો. જોકે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે અંતે તેનો પત્તો મળી ગયો.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મોહમ્મદ તસ્લીમ રાજસ્થાનના ઉદેપુરમાં પ્રોપર્ટી ડિલિંગનો વ્યવસાય કરી રહ્યો હતો. તેણે લગ્ન કરીને પરિવાર વસાવ્યો હતો અને બાળકો સાથે સામાન્ય જીવન જીવતો હતો, જેથી તેની ગુનાહિત ઓળખ અંગે કોઈને શંકા ન જાય. પરંતુ ક્રાઈમ બ્રાન્ચે વ્યૂહાત્મક આયોજન સાથે ઓપરેશન હાથ ધરી તેને ઝડપી પાડ્યો હતો. હાલ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેને ફરી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાત વર્ષ સુધી પોલીસને ચકમો આપનાર આ કેદી આખરે કાયદાના શિકંજામાં આવી ગયો છે.




