મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થી પર મારપીટનો ગંભીર આક્ષેપ, ટ્રસ્ટી અને આચાર્ય સામે પોલીસ ફરિયાદ

અરવલ્લીના મોડાસામાં આવેલી પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થી સાથે મારપીટ થયાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આંતરિક પરીક્ષાનું પેપર જોયાના મુદ્દે વિદ્યાર્થીને લાફા મારી પીવીસી પાઇપથી માર મારવામાં આવ્યો હોવાનો પરિવારનો આરોપ છે. સમગ્ર મામલે શાળાના ટ્રસ્ટી અને આચાર્ય સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.
Rahul Desai
Rahul Desai
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થી પર મારપીટનો ગંભીર આક્ષેપ, ટ્રસ્ટી અને આચાર્ય સામે પોલીસ ફરિયાદમોડાસાની પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થી પર મારપીટનો ગંભીર આક્ષેપ, ટ્રસ્ટી અને આચાર્ય સામે પોલીસ ફરિયાદ

મોડાસા: અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી નામચીન પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા ધોરણ-8ના 13 વર્ષીય વિદ્યાર્થીને આંતરિક પરીક્ષાનું પેપર જોયાના આક્ષેપસર શાળાના ટ્રસ્ટી અને આચાર્યએ લાફા ઝીંકી તેમજ પીવીસી (પ્લાસ્ટિક) પાઇપ વડે માર માર્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. સમગ્ર મામલે વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

ફરિયાદ મુજબ, લુણાવાડાના રહેવાસી વિદ્યાર્થી પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલના હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. 18 જુલાઈના રોજ શાળા સંચાલકોએ વાલીઓને ફોન કરીને વિદ્યાર્થીએ આંતરિક પરીક્ષાનું પેપર જોયું હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક શાળાએ બોલાવ્યા હતા.

વાલીઓ શાળાએ પહોંચ્યા ત્યારે વિદ્યાર્થી રડતી હાલતમાં મળ્યો હતો. વિદ્યાર્થીએ પિતાને જણાવ્યું કે શાળાના ટ્રસ્ટી હરેશભાઈ પટેલ અને આચાર્ય ચંદ્રસેન પટેલએ તેના મોઢા પર અનેક લાફા માર્યા હતા તેમજ પીવીસી પાઇપ વડે શરીરના પાછળના ભાગે માર માર્યો હતો.

વાલીઓનો વધુ આક્ષેપ છે કે જ્યારે તેમણે શાળા સંચાલકોને સમગ્ર મામલે પૂછપરછ કરી ત્યારે સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો. એટલું જ નહીં, વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપવામાં આવી હતી.

મારપીટ બાદ વિદ્યાર્થીની તબિયત લથડતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં આવતા વિદ્યાર્થીના પિતાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ટ્રસ્ટી હરેશભાઈ પટેલ અને આચાર્ય ચંદ્રસેન પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. હાલ મામલો પોલીસ તપાસ હેઠળ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની હકીકત તથા જવાબદારી અંગે સ્પષ્ટતા થશે.