મોડાસામાં ₹10 લાખના દહેજની માંગણીનો આક્ષેપ, પતિ સહિત 6 સામે ફરિયાદ નોંધાઈ



મોડાસામાં ₹10 લાખના દહેજની માંગણીનો આક્ષેપ, પતિ સહિત 6 સામે ફરિયાદ નોંધાઈ



અરવલ્લી: અરવલ્લીના મોડાસામાં દહેજની માંગણી અને માનસિક-શારીરિક ત્રાસનો એક મામલો સામે આવ્યો છે. મહિલાએ પતિ સહિત છ લોકો સામે મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સાસરી પક્ષ દ્વારા ₹10 લાખના દહેજની માંગણી કરવામાં આવતી હોવાનો તેમજ માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, દહેજની માંગણી અને સતત થતા ત્રાસના કારણે મહિલા છેલ્લા ત્રણ વર્ષથી પોતાના પિયરમાં રહે છે. મહિલાનો આક્ષેપ છે કે સાસરી પક્ષ દ્વારા વારંવાર દહેજ માટે દબાણ કરવામાં આવતું હતું અને વિરોધ કરતાં તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી.
આ મામલે મહિલાએ પતિ સહિત છ લોકો સામે દહેજની માંગણી, માનસિક અને શારીરિક ત્રાસ તેમજ ધમકી આપ્યાની ફરિયાદ મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.
જોકે, પતિનો દાવો છે કે પત્ની છેલ્લા ત્રણ વર્ષથી પોતાના પિયરમાં રહે છે. સમગ્ર મામલે પોલીસે બંને પક્ષના નિવેદનોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.




