Get News Alerts

Never miss breaking news updates.

મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં બોગસ મેડિકલ સર્ટી બનાવવાનું કૌભાંડ ઝડપાયું

Mehsana News: મહેસાણાની જનરલ સિવિલ હોસ્પિટલમાંથી સરકારી તબીબો અને RMOના નકલી સહી-સિક્કા મારીને ઓનજીસી (ONGC) માટે બોગસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. હોસ્પિટલના વહીવટી અધિકારી હરેશભાઈ પટેલની સતર્કતાને કારણે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.
Admin
AdminUpdated on: 20 Jun 2026 10:36 PM IST
મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં બોગસ મેડિકલ સર્ટી બનાવવાનું કૌભાંડ ઝડપાયુંમહેસાણાની સિવિલ હોસ્પિટલમાં બોગસ મેડિકલ સર્ટી બનાવવાનું કૌભાંડ ઝડપાયું

Mehsana News: મહેસાણાની જનરલ સિવિલ હોસ્પિટલમાંથી સરકારી તબીબો અને RMOના નકલી સહી-સિક્કા મારીને ઓનજીસી (ONGC) માટે બોગસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. હોસ્પિટલના વહીવટી અધિકારી હરેશભાઈ પટેલની સતર્કતાને કારણે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ફોર્મ "O" તેમજ વિવિધ મેડિકલ રિપોર્ટ પર સિવિલ હોસ્પિટલના અધિકારીઓના નકલી રાઉન્ડ સીલ અને સહીઓ કરીને ઓનજીસી સોસાયટીમાં રજૂ કરવાનું આ કૌભાંડ સામે આવતા જ મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં અલગ-અલગ કંપનીઓમાંથી કર્મચારીઓ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે આવતા હોય છે. ‘ધ ગુજરાત સ્ટેટ ઓ.એન.જી.સી. લેન્ડ લુઝર ફાર્મર્સ લેબર કો.ઓ. સોસાયટી લિમિટેડ’ તરફથી 4 ઉમેદવારોના ફોર્મ "O" પર કાઉન્ટર સહી કરાવવા માટે દિલીપસિંહ સોલંકી નામનો વ્યક્તિ હોસ્પિટલ આવ્યો હતો. 

સિવિલ સર્જન ડૉ. ગોપીબેન પટેલ દ્વારા જ્યારે આ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે 4માંથી 3 ઉમેદવારો અગાઉ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા અને તેમના રિપોર્ટ સાચા હતા. પરંતુ નટવરસિંહ રાજુજી ડાભી નામના ડ્રાઈવર તરીકે નોકરી કરતા ઉમેદવારના ફોર્મ પર રેસિડેન્ટ મેડિકલ ઓફિસર (RMO) અને ડૉ. ઉમેશ વી. પટેલના નામના બોગસ સિક્કા મારેલા હતા અને ખોટી સહીઓ કરવામાં આવી હતી. આ ઉમેદવાર ક્યારેય શારીરિક ચકાસણી માટે હોસ્પિટલ આવ્યો જ ન હોવાનું ખુલ્યું હતું. 

આ ગંભીર અને સંવેદનશીલ સરકારી મુદ્દાને લઈને હોસ્પિટલ પ્રશાસન તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. મહેસાણાના DySP મિલાપ પટેલે જણાવ્યું કે, આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને BNSની સંબંધિત કલમો ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨) અને ૩૪૧(૨) હેઠળ મુખ્ય આરોપી નટવરસિંહ રાજુજી ડાભી તથા તપાસમાં બહાર આવે તે તમામ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હોસ્પિટલમાંથી જ ૩ નકલી સિક્કા અને બનાવટી દસ્તાવેજો જપ્ત કરી લીધા છે અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. 

સિવિલ હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન વર્ષ 2025ના કેટલાક સેમ્પલ પેપર્સ પણ મળી આવ્યા છે. જેનાથી આ કૌભાંડ લાંબા સમયથી ચાલતું હોવાની આશંકા સેવાઈ રહી છે. સરકારી મહોર અને સહીઓનો દુરુપયોગ કરીને આચરવામાં આવેલા આ કૌભાંડના મૂળ કેટલા ઊંડા છે તે તો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.