મેઘાણીનગરમાં જાહેર રોડ પર યુવકની હત્યા, વિસ્તારમાં ચકચાર



મેઘાણીનગરમાં જાહેર રોડ પર યુવકની હત્યા, વિસ્તારમાં ચકચાર



અમદાવાદ અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં જાહેર રોડ પર યુવકની હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. ગુલમર્ગ સોસાયટીની બહાર બનેલી આ ઘટનાના પગલે વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ મેઘાણીનગર વિસ્તારમાં રહેતા હરેશભાઈ પટણી નામના યુવકની અજાણ્યા શખ્સો દ્વારા ઘાતકી હુમલો કરી હત્યા કરવામાં આવી છે. ઘટનાના દિવસે સવારે હરેશભાઈ પોતાના ઘરે હાજર હતા અને બાદમાં રિક્ષામાં બહાર બેઠા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર ગુલમર્ગ સોસાયટી નજીક અજાણ્યા હુમલાખોરોએ હરેશભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
જાહેર રોડ પર હત્યાની ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. લોકોના ટોળેટોળા ભેગા થતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી અને પોલીસે પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે રોડ બંધ કરવાની ફરજ પડી હતી.
ઘટનાની જાણ થતાં મેઘાણીનગર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અજાણ્યા હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.
જાહેરમાં થયેલી આ હત્યાની ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. હાલ પોલીસે હત્યાનું ચોક્કસ કારણ જાણવા અને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.




