Get News Alerts

Never miss breaking news updates.

મેટ્રિમોનિયલ સાઈટ પર 'આદિત્ય પટેલ' બની વિધવાઓને જાળમાં ફસાવતો કડીનો કરીમ સિપાઈ ઝડપાયો

મેટ્રોમોનિયલ સાઈટના માધ્યમથી જીવનસાથીની શોધ કરતા નાગરીકો માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપી કરીન તે આદિત્ય પટેલ બનીને વિધવા અથવા છૂટાછેડા થયેલા મહિલાને પ્રેમજાળમાં ફસાવતો હતો. આ વાતની જાણ જ્યારે ક્રાઈમ બ્રાન્ચે થઈ ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વધુ તપાસ કરી તો કરીમના મોબાઈલમાંથી 8000 થી વધારે આપત્તિજનક ફોટોગ્રાફ્સ અને વીડિયો મળી આપતા પોલીસ પણ ચોકી ગઈ હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 15 Jun 2026 01:16 PM IST
મેટ્રિમોનિયલ સાઈટ પર 'આદિત્ય પટેલ' બની વિધવાઓને જાળમાં ફસાવતો કડીનો કરીમ સિપાઈ ઝડપાયોમેટ્રિમોનિયલ સાઈટ પર 'આદિત્ય પટેલ' બની વિધવાઓને જાળમાં ફસાવતો કડીનો કરીમ સિપાઈ ઝડપાયો

અમદાવાદ: મેટ્રિમોનિયલ સાઈટના માધ્યમથી જીવનસાથીની શોધ કરતા નાગરિકો માટે લાલબત્તી સમાન એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. મેટ્રિમોનિયલ પોર્ટલ પર 'આદિત્ય પટેલ' નામની હિન્દુ ઓળખ ધારણ કરી વિધવા અને છૂટાછેડા લીધેલ મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતા કરીમ રફીકભાઈ સિપાઈ નામના શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીના મોબાઈલમાંથી અંદાજે 8,000 જેટલા આપત્તિજનક ફોટોગ્રાફ્સ અને વીડિયો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

ટ્રુ કોલરના એક ઝાટકે ખોલી નાખી પોલ
મળતી માહિતી મુજબ, અમદાવાદની એક વિધવા મહિલાનો મેટ્રિમોનિયલ સાઈટ પર આદિત્ય પટેલ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. આરોપીએ પોતે વિધુર હોવાની અને પ્લાસ્ટિકનો મોટો બિઝનેસ ધરાવતો હોવાની ખોટી ઓળખ આપી હતી. વિશ્વાસ જીતવા માટે તેણે આદિત્ય પટેલ નામના બોગસ ઓળખપત્રો પણ રજૂ કર્યા હતા. છેલ્લા 4થી 5 મહિનાથી બંને સંપર્કમાં હતા. જો કે, એક દિવસ આદિત્યનો ફોન આવતા જ મહિલાના મોબાઈલમાં 'ટ્રુ કોલર' (Truecaller) એપ પર 'કરીમ' નામ ડિસ્પ્લે થયું હતું. શંકા જતા મહિલાએ દસ્તાવેજોમાં આપેલા સરનામે તપાસ કરાવી, જ્યાં આ નામે કોઈ રહેતું જ ન હોવાનું બહાર આવ્યું હતું.

હિંમત દાખવી બજરંગદળની મદદથી ભાંડો ફોડ્યો
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ પીડિત મહિલાએ હિંમત હાર્યા વગર બજરંગદળનો સંપર્ક સાધ્યો હતો. બજરંગદળની તપાસમાં સામે આવ્યું કે આદિત્ય પટેલ વાસ્તવમાં મહેસાણાના કડીનો વતની અને પરિણીત કરીમ સિપાઈ છે. સંગઠનના અગ્રણી જ્વલિત મહેતાના જણાવ્યા અનુસાર, આરોપીના મોબાઈલની પ્રાથમિક તપાસ કરતા તેમાંથી 20થી વધુ મહિલાઓની પ્રોફાઈલ અને અસંખ્ય આપત્તિજનક ચેટ તથા ફોટો-વીડિયોનો જથ્થો મળી આવ્યો હતો.

બોગસ દસ્તાવેજોનો મોટો જથ્થો જપ્ત

આરોપી કરીમ પાસેથી આદિત્ય પટેલના નામના બોગસ પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, પાસપોર્ટ, રાશનકાર્ડ અને આધારકાર્ડ જેવા સરકારી દસ્તાવેજો મળી આવ્યા છે, જેનો ઉપયોગ તે મહિલાઓનો વિશ્વાસ જીતવા માટે કરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી ઘનિષ્ઠ તપાસ
મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક એક્શનમાં આવી આરોપી કરીમ સિપાઈની ધરપકડ કરી લીધી છે. સામાજિક બદનામીના ડરથી અત્યાર સુધી કોઈ મહિલાએ ફરિયાદ કરી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે કરીમે અત્યાર સુધી કેટલી મહિલાઓને આર્થિક કે શારીરિક શોષણનો ભોગ બનાવી છે.

મેટ્રિમોનિયલ સાઈટોના વેરિફિકેશન સામે સવાલ
આ ઘટનાને પગલે બજરંગદળ અને પોલીસે સંયુક્ત રીતે ઓનલાઈન પ્લેટફોર્મ્સ સામે સવાલો ઉઠાવ્યા છે. મેટ્રિમોનિયલ સાઈટોએ કોઈપણ પ્રોફાઈલ લાઈવ કરતા પહેલા તેનું સચોટ વેરિફિકેશન કરવું અનિવાર્ય છે. સાથોસાથ પોલીસે જનતાને પણ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે મેટ્રિમોનિયલ સાઈટ પર અજાણી વ્યક્તિઓ સાથે સંપર્ક કરતી વખતે સંપૂર્ણ સાવચેતી રાખવી અને દસ્તાવેજોની પૂરતી ખરાઈ કર્યા બાદ જ આગળ વધવું.
 

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.