ટેસ્ટ ડેબ્યૂમાં માનવ સુથારનો કમાલ, અફઘાનિસ્તાન સામે 33 રનમાં 6 વિકેટ ઝપટાવી રચ્યો રેકોર્ડ



ટેસ્ટ ડેબ્યૂમાં માનવ સુથારનો કમાલ, અફઘાનિસ્તાન સામે 33 રનમાં 6 વિકેટ ઝપટાવી રચ્યો રેકોર્ડ



ન્યૂ ચંડીગઢ ન્યૂ ચંડીગઢમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતીય યુવા સ્પિનર માનવ સુથારે પોતાના ટેસ્ટ ડેબ્યૂને યાદગાર બનાવી દીધું છે. પ્રથમ ઇનિંગમાં અફઘાનિસ્તાનની આખી ટીમ 152 રનમાં સમેટાઈ ગઈ હતી, જેમાં માનવ સુથારે ઘાતક બોલિંગ કરતાં 22 ઓવરમાં માત્ર 33 રન આપી 6 વિકેટ ઝડપી હતી.
માનવ સુથાર ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂમાં બીજો શ્રેષ્ઠ બોલિંગ સ્પેલ કરનાર બોલર બન્યો છે. ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં ડેબ્યૂ મેચમાં શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ નરેન્દ્ર હિરવાણીના નામે નોંધાયેલો છે, જેમણે 1988માં વેસ્ટ ઇન્ડિઝ સામે 61 રનમાં 8 વિકેટ ઝડપી હતી.
23 વર્ષીય માનવ સુથારની સ્પિન સામે અફઘાનિસ્તાનના બેટ્સમેન સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી માત્ર રહમત શાહ જ ટકી શક્યા હતા અને તેમણે સર્વાધિક 60 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 20 અને અતાલે 17 રનનું યોગદાન આપ્યું હતું.
અફઘાનિસ્તાનના પાંચ બેટ્સમેન બે આંકડાનો સ્કોર પણ પાર કરી શક્યા નહોતા. માનવની શાનદાર બોલિંગના કારણે ભારતને પ્રથમ ઇનિંગના આધારે 412 રનની વિશાળ લીડ મળી હતી.
માનવ સુથાર આ સદીમાં ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ હોલ નોંધાવનાર માત્ર બીજા ભારતીય બોલર બન્યા છે. તેમના પહેલા 2008માં અમિત મિશ્રાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી.
ભારત તરફથી માનવ સુથાર ઉપરાંત પ્રસિદ્ધ કૃષ્ણાએ 37 રનમાં 3 વિકેટ ઝડપી હતી, જ્યારે વોશિંગ્ટન સુંદરને 1 વિકેટ મળી હતી.




