મહેમદાવાદના સોજાલી ગામે ક્ષત્રિય યુવકના મોત મામલે વિવાદ, પરિવારજનોનો હત્યાનો આક્ષેપ



મહેમદાવાદના સોજાલી ગામે ક્ષત્રિય યુવકના મોત મામલે વિવાદ, પરિવારજનોનો હત્યાનો આક્ષેપ



Kheda News: ક્ષત્રિય યુવાનના મોત પર રહસ્યના વાદળો સર્જાયા છે. મહેમદાવાદના સોજાલી ગામમાં 29 વર્ષીય યુવકના મોત બાદ રહસ્ય ઘેરાયું છે. ગત તારીખ 14 જૂનના રોજ ભરત ચૌહાણની લાશ પહાડ ગામની સીમમાં રેલવે ટ્રેક પાસેથી મળી આવી હતી. ત્યારબાદ પોલીસે યુવાનનું ટ્રેનની અડફેટે એટલે કે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, મૃતકનો પરિવાર પોલીસ કાર્યવાહીથી નાખુશ છે અને તેમના દીકરાની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
પરિવારનું કહેવું છે કે, તેમનો દીકરો આત્મહત્યા કરે તેવો નબળો ન હતો. આ ઉપરાંત તેની લાશ જે સંજોગોમાં અને જે સ્થિતિમાં મળી આવી છે, તેના પરથી ભરતની હત્યા થઈ હોવાની આશંકા પ્રબળ બની રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ભરતને માથાના ભાગે ઈજા થવાથી તેનું મોત થયું હોવાનું ખુલ્યું છે.
પોસ્ટમોર્ટમમાં હાથ પર ઇજા, પેટના ભાગે ઇજા તેમજ ચહેરાના ભાગે ઇજા હોવાનું સ્પષ્ટ થયું છે. જેથી કોઈ અજાણ્યા લોકોએ ભરતને માર મારી હત્યા કરી તેની લાશને રેલ્વે ટ્રેક પર ફેંકી દીધી હોવાની પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે. આ સંજોગોમાં પોલીસ હત્યાની દિશામાં તપાસ કરે તેવી પરિવારજનોએ માગ કરી છે.




