અમદાવાદ-વડોદરા હાઇવે પર દોડતી જગુઆર કારમાં ભીષણ આગ, 30 મિનિટની જહેમત બાદ કાબૂ



અમદાવાદ-વડોદરા હાઇવે પર દોડતી જગુઆર કારમાં ભીષણ આગ, 30 મિનિટની જહેમત બાદ કાબૂ



ખેડા જિલ્લામાં અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે-8 પર પીપલગ APMC નજીક દોડતી જગુઆર કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. કારમાં સવાર બે વ્યક્તિઓ સમયસર બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો.
ખેડા જિલ્લાના અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે-8 પર પીપલગ APMC નજીક રવિવારે દોડતી જગુઆર કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાથી હાઇવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, જગુઆર કાર આણંદથી અમદાવાદ તરફ જઈ રહી હતી. તે દરમિયાન પીપલગ APMC નજીક કારમાંથી ધુમાડો નીકળ્યા બાદ થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
કારમાં બે વ્યક્તિઓ સવાર હતા, પરંતુ આગ ફેલાય તે પહેલાં જ તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ આશરે 30 મિનિટની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગમાં કારનો મોટાભાગનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




