જૂનાગઢમાં મોડી રાત્રે બે સિંહો રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા, લોકોમાં ફફડાટ


જૂનાગઢમાં મોડી રાત્રે બે સિંહો રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા, લોકોમાં ફફડાટ


જૂનાગઢમાં શ્રીરામ ટેકરી નજીક આવેલા સોનાપુરી સ્મશાનગૃહ પાસે મોડી રાત્રે બે બબ્બર સિંહો રસ્તા પર લટાર મારતા જોવા મળતાં ભારે હડકંપ મચ્યો હતો. રાત્રિના અંદાજે 12 વાગ્યાના સમયે સિંહોની હાજરી જોવા મળતાં રસ્તા પરથી પસાર થતા લોકો અને મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ, શ્રીરામ ટેકરી નજીકના સ્મશાનગૃહ પાસે બે સિંહો રસ્તા પર જોવા મળ્યા હતા. સિંહોને રસ્તા પર નિર્ભયતાથી ફરતા જોઈ આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ચિંતા પ્રસરી હતી. આ દરમિયાન આસપાસના કૂતરાઓએ સિંહોને જોઈ ભસવાનું શરૂ કર્યું હતું. કૂતરાઓના સતત અવાજ બાદ બંને સિંહો ફરી જંગલ તરફ વળી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
શ્રીરામ ટેકરી અને તેની આસપાસનો વિસ્તાર એવો છે જ્યાં દિવસ-રાત લોકો તેમજ મુસાફરોની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં જંગલમાંથી સિંહો માનવ વસાહત નજીક આવી રહ્યા હોવાથી સ્થાનિકો અને વાહનચાલકોએ વધુ સાવચેતી રાખવી જરૂરી બની છે.
વન્યજીવોની અવરજવર દરમિયાન લોકોને સિંહોથી યોગ્ય અંતર જાળવવા અને તેમને પરેશાન ન કરવા અપીલ કરવામાં આવે છે. સિંહો રસ્તા પર દેખાય ત્યારે તેમનો પીછો કરવો, નજીક જવાનો પ્રયાસ કરવો કે તેમને ઉશ્કેરવા જેવી હરકતો ટાળવી જોઈએ.
સિંહોને શાંતિથી પસાર થવા માટે રસ્તો આપવામાં આવે તો તેઓ સામાન્ય રીતે પોતાની દિશામાં આગળ વધી જાય છે. તેથી વન્યજીવોની અવરજવરવાળા વિસ્તારોમાં લોકો સાવચેતી રાખે અને સિંહોને શાંતિથી પસાર થવા દે તે અત્યંત જરૂરી છે.




