માળિયા હાટીનાના કુકસાવાડા નજીક ખુલ્લા કૂવામાં ખાબકેલી સિંહણનું રેસ્ક્યૂ, વન વિભાગે બચાવ્યો જીવ


માળિયા હાટીનાના કુકસાવાડા નજીક ખુલ્લા કૂવામાં ખાબકેલી સિંહણનું રેસ્ક્યૂ, વન વિભાગે બચાવ્યો જીવ


જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના કુકસાવાડા ગામ નજીક ખુલ્લા કૂવામાં સિંહણ પડી જવાની ઘટના સામે આવી છે. કૂવામાંથી સિંહણના અવાજ આવતા સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ જૂનાગઢ વન વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ખુલ્લા કૂવામાં ફસાઈ જવાને કારણે સિંહણ ગભરાયેલી હાલતમાં હતી. વરસાદી માહોલ વચ્ચે કૂવામાં ઉતરીને સિંહણને બહાર કાઢવાનું રેસ્ક્યૂ ઓપરેશન પડકારજનક હતું. જોકે, વન વિભાગની ટીમે ખૂબ જ સાવધાની અને કુશળતાપૂર્વક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.
કલાકોની જહેમત બાદ ટીમે સિંહણને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢી હતી. રેસ્ક્યૂ બાદ સિંહણને વન વિભાગના રેસ્ક્યૂ સેન્ટર ખાતે મોકલવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સિંહણની તબીબી તપાસ અને દેખરેખ રાખવામાં આવશે. સિંહણના ગ્રુપની ઓળખ થયા બાદ તેને યોગ્ય સ્થળે ફરી જંગલમાં મુક્ત કરવામાં આવશે.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં આવેલા આવા ખુલ્લા કૂવાઓને ઢાંકવાની કામગીરી ઝડપી બનાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં વન્યજીવો કૂવામાં પડી જવાની ઘટનાઓને અટકાવી શકાય.
વરસાદી માહોલ વચ્ચે પણ વન વિભાગની ટીમે સાવચેતીપૂર્વક અને ઝડપી કામગીરી કરીને સિંહણનો જીવ બચાવ્યો હતો. રેસ્ક્યૂ ઓપરેશન બાદ સ્થાનિક લોકોએ પણ વન વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી.




