Get News Alerts

Never miss breaking news updates.

ખાખીનો માનવીય ચહેરો : ટ્રાફિક ડ્રાઇવમાં કડકાઈ સાથે લાગણીનો સ્પર્શ

જામનગરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વિક્ટોરિયા પુલ નજીક સિટી બી ડિવિઝન પોલીસ અને ટ્રાફિક વિભાગે સંયુક્ત મેગા કોમ્બિંગ ડ્રાઇવ યોજી કાળા કાચ અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. જોકે, આ સમગ્ર અભિયાન દરમિયાન ખાખીનો એક સંવેદનશીલ અને માનવીય ચહેરો પણ જોવા મળ્યો, જ્યારે એક નાનકડા બાળકની જીદને માન આપી પોલીસ અધિકારીઓએ તેની સાથે પ્રેમથી ફોટોગ્રાફ પડાવ્યો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 02 Jun 2026 11:11 AM IST
ખાખીનો માનવીય ચહેરો : ટ્રાફિક ડ્રાઇવમાં કડકાઈ સાથે લાગણીનો સ્પર્શખાખીનો માનવીય ચહેરો : ટ્રાફિક ડ્રાઇવમાં કડકાઈ સાથે લાગણીનો સ્પર્શ

જામનગર " જામનગર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા અને માર્ગ સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ લાવવા પોલીસ વિભાગ દ્વારા વિશેષ કોમ્બિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિક્ટોરિયા પુલ નજીક યોજાયેલી આ સંયુક્ત કામગીરીમાં સિટી બી ડિવિઝનના પીઆઈ ગઢવી અને ટ્રાફિક પીઆઈ ચૌધરીની આગેવાની હેઠળ પોલીસ ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

ડ્રાઇવ દરમિયાન કાળા કાચ લગાવેલા વાહનો, નિયમો વિરુદ્ધ ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો તેમજ અન્ય ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને રોકી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થળ પર જ દંડ વસૂલ કરીને વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.

આ દરમિયાન એક એવી ઘટના બની કે જેણે સમગ્ર વાતાવરણમાં માનવીય લાગણીનો સ્પર્શ ઉમેર્યો હતો. ચેકિંગ સ્થળે હાજર એક નાનકડું બાળક પોલીસ અધિકારીઓ સાથે ફોટો પડાવવાની જીદ કરવા લાગ્યું હતું. બાળકની નિર્દોષ લાગણીને માન આપતાં પીઆઈ ગઢવી અને પીઆઈ ચૌધરીએ તેને પ્રેમથી તેડીને તેની સાથે ફોટોગ્રાફ પડાવ્યો હતો.

ખાખીની કડક કામગીરી વચ્ચે જોવા મળેલો આ સ્નેહભર્યો અને સંવેદનશીલ વ્યવહાર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કાયદાનું પાલન કરાવવાની ફરજ સાથે માનવતા અને લાગણીઓને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે, તેનો આ પ્રસંગ જીવંત દાખલો બની રહ્યો હતો

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.