જામનગરમાં એક્ટિવા પર બુલેટનો નંબર લગાવીનો ફરતો આરોપી ઝડપાયો



જામનગરમાં એક્ટિવા પર બુલેટનો નંબર લગાવીનો ફરતો આરોપી ઝડપાયો



Jamnagar News: જામનગરમાં હવે ફેક નંબર પ્લેટ લગાવી રસ્તા પર ફરવું સરળ નથી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કેમેરાની બાજ નજરે એક એવો શખ્સ ઝડપાયો છે. જે એક્ટીવા પર બુલેટનો નંબર લગાવી આખા શહેરમાં ફરતો હતો. માત્ર શોખ અને મિત્રો વચ્ચે વાહવાહી મેળવવા માટે કરાયેલા આ કારનામાનો આખરે પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.
જામનગરના હનુમાન ગેટ વિસ્તારમાંથી પસાર થતી એક કાળા રંગના એક્ટીવા પર લાગેલી નંબર પ્લેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કેમેરામાં શંકાસ્પદ જણાઈ હતી. ITMS સિસ્ટમમાં તપાસ કરતાં સામે આવ્યું કે, નંબર GJ-10-EK-1111 કોઈ એક્ટીવાનો નહીં પરંતુ રોયલ એનફિલ્ડ હન્ટર-350 બુલેટનો હતો. ત્યારબાદ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ.
ટેક્નિકલ સર્વેલન્સના આધારે વાહનની મૂવમેન્ટ ટ્રેસ કરવામાં આવી અને અંબર ચોકડી નજીકથી વાહનને શોધી કાઢવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું કે, એક્ટીવાના સાચા નંબર GJ-10-EK-1508 હતા, જ્યારે દેખાવ માટે ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી.
આરોપી પૃથ્વી રમેશભાઈ ગોલારાણાએ પોલીસ સમક્ષ કબૂલ્યું કે, તેણે માત્ર શોખ અને મિત્રોમાં રુઆબ જમાવવા માટે ફેક નંબર પ્લેટ બનાવડાવી હતી. પોલીસે એક્ટીવા, ખોટી નંબર પ્લેટ અને ઓરિજિનલ HSRP પ્લેટ કબજે કરી આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.




