જામનગરમાં ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાયા, આરોગ્ય વિભાગ એલર્ટ; ત્રણેય બાળકોની હાલત ગંભીર


જામનગરમાં ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાયા, આરોગ્ય વિભાગ એલર્ટ; ત્રણેય બાળકોની હાલત ગંભીર


જામનગર: જામનગરમાં ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. શહેરના બે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક બાળકને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ ત્રણેય બાળકોની હાલત ગંભીર છે અને તેમની સઘન સારવાર ચાલી રહી છે.
બાળરોગ નિષ્ણાંત ડો. સોનલ શાહે જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ બાળકોમાં ઝડપથી ગંભીર અસર કરી શકે છે. જોકે સમયસર સારવાર મળે તો બચાવની શક્યતા વધી જાય છે. તેથી માતા-પિતાએ બાળકોના સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.
તેમણે જણાવ્યું કે બાળકોમાં તાવ, ખેંચ આવવી, વારંવાર ઉલટી થવી, ચક્કર આવવા, બેભાન જેવી સ્થિતિ અથવા અસામાન્ય વર્તન જેવા લક્ષણો જોવા મળે તો વિલંબ કર્યા વગર નજીકની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ.
આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસના ફેલાવાને રોકવા માટે ખાસ પ્રકારની નાની માખી (સેન્ડ ફ્લાય)ના ઉપદ્રવ પર નિયંત્રણ રાખવાની સલાહ આપી છે. સાથે જ બાળકોને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા ફુલ સાઇઝના કપડાં પહેરાવવા, આસપાસ સ્વચ્છતા જાળવવા અને જીવજંતુઓથી બચાવ માટે જરૂરી પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.
ડો. સોનલ શાહે વધુમાં જણાવ્યું કે જો દર્દીઓની સંખ્યા વધશે તો પણ જી.જી. હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમણે લોકોને અફવાઓથી દૂર રહી ગભરાશો નહીં, પરંતુ લક્ષણો દેખાતા જ સમયસર સારવાર લેવાની અપીલ કરી છે.
આરોગ્ય વિભાગ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.




