વૈભવ સૂર્યવંશી સોશિયલ મીડિયા કરતાં ક્રિકેટ પર વધુ ધ્યાન આપે તેવો પ્રયાસ કરીએ છીએ: ઈશાન કિશન

ભારતીય ટીમના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગની ચર્ચા વચ્ચે વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઈશાને જણાવ્યું કે ટીમના સિનિયર ખેલાડીઓ સતત પ્રયત્ન કરે છે કે વૈભવ સોશિયલ મીડિયાની ચમક-ધમકથી દૂર રહી પોતાનું સંપૂર્ણ ધ્યાન માત્ર ક્રિકેટ અને રમતના વિકાસ પર કેન્દ્રિત રાખે.
Rahul Desai
Rahul Desai
વૈભવ સૂર્યવંશી સોશિયલ મીડિયા કરતાં ક્રિકેટ પર વધુ ધ્યાન આપે તેવો પ્રયાસ કરીએ છીએ: ઈશાન કિશનવૈભવ સૂર્યવંશી સોશિયલ મીડિયા કરતાં ક્રિકેટ પર વધુ ધ્યાન આપે તેવો પ્રયાસ કરીએ છીએ: ઈશાન કિશન

નવી દિલ્હી: માત્ર 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પોતાની વિસ્ફોટક બેટિંગથી સતત ચર્ચામાં છે. ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટી20 મેચમાં માત્ર 18 બોલમાં અડધી સદી ફટકાર્યા બાદ વૈભવને સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં ભારે પ્રશંસા મળી રહી છે. જોકે, ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશને કહ્યું છે કે ટીમના તમામ સિનિયર ખેલાડીઓ વૈભવને સોશિયલ મીડિયાથી દૂર રહી ક્રિકેટ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપે છે.

ઝિમ્બાબ્વે સામેની બીજી ટી20માં ભારતની જીત બાદ ઈશાન કિશને જણાવ્યું કે વૈભવ ખૂબ જ સમજદાર ખેલાડી છે અને તેને ખબર છે કે મેદાન પર અને મેદાનની બહાર કેવી રીતે વર્તવું જોઈએ. તેમણે કહ્યું કે, “વૈભવ જે પૃષ્ઠભૂમિમાંથી આવે છે ત્યાં ધ્યાન ભટકાવનારી ઘણી બાબતો હોઈ શકે છે. તેથી અમે તેને સતત સમજાવીએ છીએ કે સોશિયલ મીડિયા અથવા બહારની ચર્ચાઓ કરતાં પોતાના રમત પર વધુ ધ્યાન આપે.”

ઈશાને વધુમાં કહ્યું કે માત્ર તેઓ જ નહીં, પરંતુ અભિષેક શર્મા, અક્ષર પટેલ સહિત ટીમના અન્ય ખેલાડીઓ પણ વૈભવ સાથે વાતચીત દરમિયાન તેને ક્રિકેટ પર જ ફોકસ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમણે ઉમેર્યું કે ખરાબ પ્રદર્શન કે રન ન બને ત્યારે પણ તેની બોડી લેંગ્વેજ પર તેની અસર ન પડે તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવે છે.

બીજી તરફ, ઝિમ્બાબ્વે સામેની બીજી ટી20માં ઈશાન કિશને શાનદાર બેટિંગ કરતાં માત્ર 44 બોલમાં 81 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી, જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે તિલક વર્માએ 29 બોલમાં અણનમ 60 રનની ઇનિંગ્સ રમી હતી. બંનેની શાનદાર બેટિંગના દમ પર ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 219 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય બોલરોએ ઝિમ્બાબ્વેને 219 રનમાં ઓલઆઉટ કરીને ટીમને જંગી જીત અપાવી.