ઈરાનનો કતાર પર હવાઈ હુમલો: ઈન્ટરસેપ્શન દરમિયાન કાટમાળ પડતાં બાળક સહિત 3 ઈજાગ્રસ્ત

ખાડી વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે ઈરાને કતાર સહિત અનેક દેશોને નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. કતારમાં ઈન્ટરસેપ્શન ઓપરેશન દરમિયાન કાટમાળ પડતાં એક બાળક સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે અને લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
Rahul Desai
Rahul Desai
ઈરાનનો કતાર પર હવાઈ હુમલો: ઈન્ટરસેપ્શન દરમિયાન કાટમાળ પડતાં બાળક સહિત 3 ઈજાગ્રસ્તઈરાનનો કતાર પર હવાઈ હુમલો: ઈન્ટરસેપ્શન દરમિયાન કાટમાળ પડતાં બાળક સહિત 3 ઈજાગ્રસ્ત

દોહા: અમેરિકાના મોટા હુમલાના જવાબમાં ઈરાને રવિવારે ખાડી દેશોને નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા હોવાના અહેવાલ છે. જોર્ડન, કતાર, બહેરીન, કુવૈત, ઓમાન અને UAE પર હુમલાઓ વચ્ચે કતારમાં ઈન્ટરસેપ્શન કાર્યવાહી દરમિયાન કાટમાળ પડતાં એક બાળક સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

કાટમાળ પડતાં ત્રણ લોકોને ઈજા

કતારના ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને ઘટનાની માહિતી આપી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈરાની હુમલા બાદ સુરક્ષા અધિકારીઓ અને સિવિલ ડિફેન્સની ટીમોએ નિર્ધારિત ઈમરજન્સી પ્લાન મુજબ કામગીરી શરૂ કરી હતી.

ઈન્ટરસેપ્શન ઓપરેશન દરમિયાન કાટમાળ નીચે પડતાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. તમામને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે.

લોકોને સતર્ક રહેવા અપીલ

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કતારના ગૃહ મંત્રાલયે લોકોને સતર્ક રહેવા અને માત્ર સત્તાવાર સૂત્રો પાસેથી જ માહિતી મેળવવા અપીલ કરી છે.

લોકોને અફવા, અપ્રમાણિત માહિતી, તસવીરો કે વીડિયો ક્લિપ શેર ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. સુરક્ષા અધિકારીઓ 24 કલાક સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહ્યા હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.

ઓમાનના મુસંદમમાં પણ ડ્રોન હુમલાની પુષ્ટિ

બીજી તરફ, ઓમાન સરકારે દેશના મુસંદમ ગવર્નરેટમાં ડ્રોન હુમલા થયાની પુષ્ટિ કરી છે. ઓમાને હુમલાની નિંદા કરતાં જણાવ્યું કે દેશ અને નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

હાલ ઓમાનમાં આ હુમલાથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનની માહિતી સામે આવી નથી.

IRGCનો દુકમ બંદર પર મોટા હુમલાનો દાવો

આ પહેલાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો હતો કે ઓમાનના દુકમ બંદર ખાતે અમેરિકન વિમાનવાહક જહાજોના લોજિસ્ટિક સપોર્ટ સેન્ટર અને ઈંધણ પુરવઠા મથકોને નિશાન બનાવી મોટો હુમલો કરવામાં આવ્યો છે.

ખાડી વિસ્તારમાં વધી રહેલા તણાવને પગલે અનેક દેશોએ હુમલાની કડક નિંદા કરી છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે.