રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો અને તેમના પરિવાર માટે બે મહત્વપૂર્ણ નીતિ સુધારાઓ જાહેર કર્યા


રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો અને તેમના પરિવાર માટે બે મહત્વપૂર્ણ નીતિ સુધારાઓ જાહેર કર્યા


નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના અધિકારીઓ અને તેમના પરિવારજનોના હિતમાં બે મહત્વપૂર્ણ નીતિ સુધારાઓની જાહેરાત કરી છે. નવી દિલ્હીના કર્તવ્ય ભવન-2 ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ, કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ પરમેશ સિવમણી સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
રક્ષામંત્રીએ છેલ્લા પાંચ દાયકામાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આપવામાં આવેલી શ્રેષ્ઠ સેવાઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે, આ નવી નીતિઓ દળનું મનોબળ વધારશે અને 2027માં ઉજવાનારી સુવર્ણ જયંતી પહેલાં કોસ્ટ ગાર્ડને વધુ આધુનિક, સક્ષમ અને ભવિષ્ય માટે તૈયાર દળ બનાવવામાં મદદરૂપ બનશે.
મહિલાઓને પુરુષો સમાન તક
નવી નીતિ હેઠળ હવે ભારતીય કોસ્ટ ગાર્ડમાં મહિલા ઉમેદવારોને પુરુષોની જેમ જ શોર્ટ સર્વિસ એપોઇન્ટમેન્ટ (SSA) અને પરમેનન્ટ એપોઇન્ટમેન્ટ (PA) માટે સમાન તક મળશે. સાથે જ પુરુષ ઉમેદવારો માટે પણ SSAનો માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત મહિલાઓને તાલીમના પ્રારંભિક તબક્કાથી લઈને ઉચ્ચ હોદ્દા સુધી પ્રમોશનની સમાન તક મળશે. હાલ સેવા આપતી મહિલા SSA અધિકારીઓને નિર્ધારિત શરતો પૂર્ણ કર્યા બાદ પરમેનન્ટ એપોઇન્ટમેન્ટમાં રૂપાંતરિત થવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. સરકારનું કહેવું છે કે આ નિર્ણય 'નારી શક્તિ'ને વધુ મજબૂત બનાવશે.
દરિયામાં ગુમ થયેલા જવાનોના પરિવારને ઝડપી સહાય
બીજા મહત્વપૂર્ણ સુધારા હેઠળ ફરજ દરમિયાન દરિયામાં ગુમ થયેલા કોસ્ટ ગાર્ડના જવાનોને 'પ્રિઝ્યુમ્ડ ડેડ' (મૃત માનવામાં આવશે) જાહેર કરવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. તેના કારણે તેમના પરિવારજનોને એક્સ-ગ્રેશિયા સહાય અને અન્ય નિવૃત્તિ લાભો ઝડપથી મળી શકશે.
સરકારનું માનવું છે કે આ સુધારાથી દુઃખની ઘડીમાં પરિવારજનોને લાંબી વહીવટી પ્રક્રિયાનો સામનો કરવો નહીં પડે અને તેમને સમયસર આર્થિક સહાય મળી શકશે.




