ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ જાહેર: 5 T20, 5 વનડે અને 2 ટેસ્ટ મેચ રમાશે



ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ જાહેર: 5 T20, 5 વનડે અને 2 ટેસ્ટ મેચ રમાશે



India vs Sri Lanka: ન્યૂઝીલેન્ડ ક્રિકેટે (NZC) 3 જૂને ભારત અને શ્રીલંકા સામેની ઘરઆંગણે યોજાનારી સિરિઝઓનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે. ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ઓક્ટોબર-નવેમ્બર 2026 દરમિયાન યોજાશે. જેમાં બંને ટીમો વચ્ચે પાંચ T20, પાંચ વનડે અને બે ટેસ્ટ મેચ રમાશે.
ખાસ વાત એ છે કે, વનડે સિરિઝને ત્રણ મેચમાંથી વધારીને પાંચ મેચની કરવામાં આવી છે. આ પ્રવાસ 2027ના વનડે વર્લ્ડ કપ પહેલાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનો ન્યૂઝીલેન્ડનો છેલ્લો પ્રવાસ બની શકે છે. બંને દિગ્ગજ ખેલાડીઓ નવેમ્બરમાં યોજાનારી પાંચ મેચોની વનડે સિરિઝમાં રમતા જોવા મળશે.
T20 સિરિઝથી થશે પ્રવાસની શરૂઆત
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચોની T20 સિરિઝ 22 ઓક્ટોબરે ક્રાઈસ્ટચર્ચમાં શરૂ થશે. પ્રથમ અને બીજી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે, જ્યારે ત્રીજી મેચ વેલિંગ્ટન, ચોથી ઓકલેન્ડ અને પાંચમી મેચ હેમિલ્ટનમાં યોજાશે. T20 સિરિઝનો અંત 1 નવેમ્બરે હેમિલ્ટનમાં થશે, ત્યારબાદ બંને ટીમો વનડે સિરિઝમાં આમને-સામને આવશે.
રોહિત-વિરાટ માટે મહત્વપૂર્ણ રહેશે 5 મેચોની વનડે સિરિઝ
વનડે સિરિઝની શરૂઆત 4 નવેમ્બરે ઓકલેન્ડમાં થશે. બીજી વનડે 7 નવેમ્બરે વેલિંગ્ટનમાં, ત્રીજી 10 નવેમ્બરે હેમિલ્ટનમાં, જ્યારે ચોથી અને પાંચમી મેચ અનુક્રમે 13 અને 15 નવેમ્બરે માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાશે.
2027ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા આ સિરિઝ ભારતીય ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના અનુભવ પર એક વખત ફરી ટીમની નજર રહેશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે મહત્વપૂર્ણ ટેસ્ટ સિરિઝ
T20 અને વનડે સિરિઝ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરિઝ રમાશે. પ્રથમ ટેસ્ટ 19થી 23 નવેમ્બર દરમિયાન વેલિંગ્ટનમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન ક્રાઈસ્ટચર્ચમાં યોજાશે.
શુભમન ગિલની કપ્તાની હેઠળની ભારતીય ટીમ માટે આ સિરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27ના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ ભારતના WTC અભિયાનના બીજા તબક્કાનો મહત્વનો ભાગ બનશે.
ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ
T20 સિરિઝ
પ્રથમ T20 - 22 ઓક્ટોબર, ક્રાઈસ્ટચર્ચ
બીજી T20 - 24 ઓક્ટોબર, ક્રાઈસ્ટચર્ચ
ત્રીજી T20 - 27 ઓક્ટોબર, વેલિંગ્ટન
ચોથી T20 - 30 ઓક્ટોબર, ઓકલેન્ડ
પાંચમી T20 - 1 નવેમ્બર, હેમિલ્ટન
વનડે સિરિઝ
પ્રથમ વનડે - 4 નવેમ્બર, ઓકલેન્ડ
બીજી વનડે - 7 નવેમ્બર, વેલિંગ્ટન
ત્રીજી વનડે - 10 નવેમ્બર, હેમિલ્ટન
ચોથી વનડે - 13 નવેમ્બર, માઉન્ટ મૌંગાનુઈ
પાંચમી વનડે - 15 નવેમ્બર, માઉન્ટ મૌંગાનુઈ
ટેસ્ટ સિરિઝ
પ્રથમ ટેસ્ટ - 19થી 23 નવેમ્બર, વેલિંગ્ટન
બીજી ટેસ્ટ - 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર, ક્રાઈસ્ટચર્ચ




