PM-કિસાન યોજના 2031 સુધી યથાવત, ખેડૂતો માટે ₹3.15 લાખ કરોડના ફંડને કેબિનેટની મંજૂરી

PM Kisan Scheme Extended: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાને વર્ષ 2026-27થી 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે સરકારે ₹3.15 લાખ કરોડના નાણાકીય પ્રાવધાનને મંજૂરી આપી છે. સરકારના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી ખેડૂતોની આવકમાં વધારો, કૃષિ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન અને ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. PM-કિસાન...
Rupin Bakraniya
Rupin Bakraniya
PM-કિસાન યોજના 2031 સુધી યથાવત, ખેડૂતો માટે ₹3.15 લાખ કરોડના ફંડને કેબિનેટની મંજૂરીPM-કિસાન યોજના 2031 સુધી યથાવત, ખેડૂતો માટે ₹3.15 લાખ કરોડના ફંડને કેબિનેટની મંજૂરી

PM Kisan Scheme Extended: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાને વર્ષ 2026-27થી 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે સરકારે ₹3.15 લાખ કરોડના નાણાકીય પ્રાવધાનને મંજૂરી આપી છે. સરકારના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી ખેડૂતોની આવકમાં વધારો, કૃષિ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન અને ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. PM-કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે ₹6,000ની સહાય ત્રણ સમાન હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

સરકારે જણાવ્યું કે, વર્ષ 2019માં શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધી 23 હપ્તામાં ₹4.47 લાખ કરોડથી વધુની રકમ સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. તાજેતરના 23મા હપ્તામાં 9.49 કરોડથી વધુ ખેડૂતોને ₹18,984 કરોડ જમા કરાવવામાં આવ્યા હતા. સરકારના આંકડા મુજબ, યોજના હેઠળ અત્યાર સુધી મહિલા ખેડૂતોને ₹1.06 લાખ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. કુલ લાભાર્થીઓમાં લગભગ દરેક ચોથો લાભાર્થી મહિલા ખેડૂત છે.

સરકારનું કહેવું છે કે PM-કિસાન યોજનાથી ખેડૂતોને સમયસર બિયારણ, ખાતર, સિંચાઈ, કૃષિ મશીનરી અને અન્ય કૃષિ જરૂરિયાતો માટે રોકાણ કરવામાં મદદ મળી છે. જેના કારણે ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે અને બિનસંસ્થાકીય ધિરાણ પરની નિર્ભરતા ઘટી છે.

નીતિ આયોગના સ્વતંત્ર મૂલ્યાંકન મુજબ 92 ટકા કરતાં વધુ ખેડૂતોએ સહાયની રકમનો ઉપયોગ કૃષિ રોકાણ માટે કર્યો હોવાનું જણાવ્યું છે, જ્યારે 85 ટકા ખેડૂતોએ તેમની આવકમાં વધારો અને દેવાની જરૂરિયાતમાં ઘટાડો નોંધાવ્યો છે. સરકારનું માનવું છે કે આગામી પાંચ વર્ષ સુધી યોજના ચાલુ રહેવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને કૃષિ ક્ષેત્રને નવી ગતિ મળશે.