મુંબઈમાં દુઃખદ અકસ્માત: સ્કૂલ વાન પર પડ્યું મોટું વૃક્ષ, એક વિદ્યાર્થીનું મોત, અનેક બાળકો ઘાયલ



મુંબઈમાં દુઃખદ અકસ્માત: સ્કૂલ વાન પર પડ્યું મોટું વૃક્ષ, એક વિદ્યાર્થીનું મોત, અનેક બાળકો ઘાયલ



Mumbai School Van Tree Accident: મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં મંગળવારે બપોરે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સ્કૂલના બાળકોને લઈ જતી એક વાન પર અચાનક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં એક વિદ્યાર્થીનું કરુણ મોત થયું હતું, જ્યારે અનેક બાળકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. માહિતી અનુસાર, ચેમ્બુરના 11 નંબર રોડ પરથી યુનિવર્સલ સ્કૂલની વાન પસાર થઈ રહી હતી ત્યારે બપોરે લગભગ 2:50 વાગ્યે રસ્તા કિનારે ઊભેલું મોટું વૃક્ષ અચાનક વાન પર પડી ગયું. ઘટનાના સમયે વાનમાં આશરે 10 બાળકો સવાર હતા. વૃક્ષ સીધું વાન પર પડતાં બાળકો અંદર જ ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત-બચાવની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે વૃક્ષને કાપીને વાનમાંથી બાળકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. બચાવ કામગીરી દરમિયાન એક બાળક લાંબા સમય સુધી વાનમાં ફસાયેલો રહ્યો હતો, જેના કારણે ઓપરેશનમાં થોડો સમય લાગ્યો હતો.
આ દુર્ઘટનામાં કુલ 10 બાળકોને ઈજાઓ પહોંચી હતી. જેમાંથી 5 બાળકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે જેએન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અન્ય કેટલાક બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થી વિહાન શ્રીવાસ્તવને હોસ્પિટલમાં સારવાર દરમિયાન બચાવી શકાયો નહોતો અને તેનું મોત નિપજ્યું હતું.
સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાને લઈને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં જોખમી વૃક્ષોની કાપકૂપ અને જાળવણી માટે અનેક વખત બીએમસીને રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ પણ આ જ વિસ્તારમાં સમાન પ્રકારની ઘટના બની હોવાનો દાવો સ્થાનિકોએ કર્યો હતો. છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં આજે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું લોકોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને પવનની આગાહી કરી છે. આવી સ્થિતિમાં નબળાં અને જોખમી વૃક્ષોને લઈને તંત્રની કામગીરી પર ફરી સવાલો ઊભા થયા છે. હાલમાં પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



