જલ જીવન મિશન 2.0ને વેગ આપવા CR પાટીલે હરિયાણાના સાંસદો સાથે કરી મહત્વપૂર્ણ બેઠક


જલ જીવન મિશન 2.0ને વેગ આપવા CR પાટીલે હરિયાણાના સાંસદો સાથે કરી મહત્વપૂર્ણ બેઠક


Jal Jeevan Mission 2.0: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે હરિયાણા રાજ્યના સાંસદો સાથે જલ જીવન મિશન 2.0ના અસરકારક અને સમયબદ્ધ અમલીકરણ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. નવી દિલ્હીના હરિયાણા ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં ગ્રામીણ પરિવારો સુધી ગુણવત્તાયુક્ત નળથી પાણીની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
જલ જીવન મિશન 2.0ના અમલીકરણ અંગે ચર્ચા
બેઠક દરમિયાન મિશનના વધુ સારા અને સમયબદ્ધ અમલીકરણ, જનભાગીદારીને વધુ મજબૂત બનાવવા તેમજ દરેક ગ્રામીણ પરિવાર સુધી સુરક્ષિત અને સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સાંસદોના સૂચનો અને અનુભવો પણ જાણ્યા હતા. તેમણે જણાવ્યું કે સાંસદો દ્વારા આપવામાં આવેલા સૂચનો અને અનુભવના આદાન-પ્રદાનથી જલ જીવન મિશન 2.0ને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવામાં મદદ મળશે.
મનોહર લાલ ખટ્ટર સહિતના નેતાઓ ઉપસ્થિત
આ બેઠકમાં કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રી મનોહર લાલ ખટ્ટર, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણ પાલ ગુર્જર તેમજ હરિયાણા સરકારના લોક આરોગ્ય અભિયાંત્રિકી મંત્રી રણબીર ગંગવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
દરેક ગ્રામ્ય પરિવાર સુધી નળથી પાણી પહોંચાડવાનો સંકલ્પ
સી.આર. પાટીલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દરેક ગ્રામીણ પરિવાર સુધી સુરક્ષિત અને સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવાના સંકલ્પને સાકાર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારો સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામગીરી કરી રહી છે. જલ જીવન મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં ઘેર-ઘેર નળ કનેક્શન દ્વારા સુરક્ષિત પીવાનું પાણી પહોંચાડવાનો છે. મિશનના આગામી તબક્કામાં સમયબદ્ધ અમલીકરણ સાથે જનભાગીદારી અને પાણી પુરવઠાની ગુણવત્તા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.




