ભારત-સ્પેન વચ્ચે વેપાર અને રોકાણ વધારવા મહત્વપૂર્ણ ચર્ચા, EU FTAને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવા ભાર


ભારત-સ્પેન વચ્ચે વેપાર અને રોકાણ વધારવા મહત્વપૂર્ણ ચર્ચા, EU FTAને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવા ભાર


નવી દિલ્હી: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સ્પેનની રાજધાની મેડ્રિડમાં સ્પેનના અર્થવ્યવસ્થા મંત્રી કાર્લોસ કુએર્પો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને ટેક્નોલોજી ક્ષેત્રે સહકારને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પીયૂષ ગોયલે જણાવ્યું કે ભારત અને સ્પેન વચ્ચે નવનીકરણીય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, અદ્યતન ઉત્પાદન (Advanced Manufacturing), ડિજિટલ ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર બંને દેશોએ સહમતિ વ્યક્ત કરી છે.
આ બેઠકમાં ભારત-યુરોપિયન યુનિયન (EU) ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ વેપારિક સંબંધોને વધુ મજબૂત બનાવી નવા રોકાણના અવસરો ઊભા કરવા પર ભાર મૂક્યો હતો. પીયૂષ ગોયલ હાલમાં સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડના પાંચ દિવસીય પ્રવાસે છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ યુરોપિયન દેશો સાથે ભારતના વેપાર, રોકાણ, ટેક્નોલોજી અને ટકાઉ વિકાસના ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે.
સ્પેન પ્રવાસ દરમિયાન તેઓ ઉદ્યોગ, પ્રવાસન અને વિદેશ મંત્રીઓ સાથે પણ બેઠક કરશે તેમજ ભારત-સ્પેન બિઝનેસ રાઉન્ડટેબલમાં ભાગ લઈ બંને દેશોના ઉદ્યોગજગત વચ્ચે નવા વ્યાપારિક સંબંધોને પ્રોત્સાહન આપશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરીને વેપાર, આરોગ્ય, ડિજિટલ ટેક્નોલોજી, શિક્ષણ અને જળવાયુ પરિવર્તન જેવા મુદ્દાઓ પર સહકાર વધારવા ચર્ચા કરી હતી.




