'સમુદ્ર પ્રદક્ષિણા' પૂર્ણ કરનાર મહિલા ક્રૂ ટીમનું રક્ષા મંત્રી રાજનાથ સિંહે કર્યું સન્માન


'સમુદ્ર પ્રદક્ષિણા' પૂર્ણ કરનાર મહિલા ક્રૂ ટીમનું રક્ષા મંત્રી રાજનાથ સિંહે કર્યું સન્માન


IASV Triveni Samudra Pradakshina Mission: રક્ષામંત્રી રાજનાથ સિંહે 'સમુદ્ર પ્રદક્ષિણા' અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરનાર IASV ત્રિવેણીની ત્રણેય સેનાની મહિલા ક્રૂ ટીમને સન્માનિત કરી હતી. આ ટીમે ચાર મહાસાગરોમાં 314 દિવસ દરમિયાન આશરે 25,500 સમુદ્રી માઇલની ઐતિહાસિક સફર પૂર્ણ કરી છે. નવી દિલ્હીમાં મહિલા અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન રાજનાથ સિંહે તેમની બહાદુરી, સમર્પણ અને અડગ મનોબળની પ્રશંસા કરી હતી. તેમણે આ અભિયાનને 'નારી શક્તિ'નું જીવંત પ્રતીક તેમજ ભારતીય થલસેના, નૌસેના અને વાયુસેનાના ઉત્તમ સંકલનનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું.

મહિલા અધિકારીઓએ શેર કર્યા અનુભવો
મહિલા અધિકારીઓએ જણાવ્યું કે આ અભિયાન દરમિયાન અનેક શારીરિક અને માનસિક પડકારોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ દેશ માટે કંઈક વિશેષ કરવાની ભાવનાએ તેમને સતત પ્રેરિત રાખ્યા અને સફળતા સુધી પહોંચાડ્યા.
'મહિલાઓ કોઈપણ મિશન પૂર્ણ કરી શકે'
રાજનાથ સિંહે જણાવ્યું કે આ સિદ્ધિએ તે માન્યતાઓને ખોટી સાબિત કરી છે કે મહિલાઓ મુશ્કેલ સૈન્ય અભિયાન પૂર્ણ કરી શકતી નથી. તેમણે કહ્યું કે શારીરિક ક્ષમતા, માનસિક મજબૂતી અને નેતૃત્વ કોઈપણ લિંગ સુધી મર્યાદિત નથી. તેમણે મહિલા અધિકારીઓને સંબોધતા કહ્યું કે હવે ભારતની દરેક દીકરી વિશ્વાસ સાથે કહી શકે છે કે તે પણ સમુદ્ર પાર કરી શકે છે અને વિશ્વમાં પોતાનું સ્થાન બનાવી શકે છે.
'ત્રણેય સેનાના સંકલનનું શ્રેષ્ઠ ઉદાહરણ'
રક્ષા મંત્રીએ જણાવ્યું કે આ અભિયાન ભારતીય થલસેના, નૌસેના અને વાયુસેનાના સંયુક્ત પ્રયાસનું અનોખું ઉદાહરણ છે. ત્રણેય સેનાની મહિલા અધિકારીઓએ એક જ મિશન અને એક જ તિરંગા હેઠળ સાથે મળીને આ યાત્રા સફળ બનાવી.
સ્વદેશી ટેક્નોલોજીનો વિશ્વને સંદેશ
રાજનાથ સિંહે કહ્યું કે IASV ત્રિવેણી સાથે વિદેશી બંદરો સુધી પહોંચેલી આ ટીમે ભારતની સ્વદેશી ટેક્નોલોજી, એન્જિનિયરિંગ ક્ષમતા અને આત્મનિર્ભર ભારતનો મજબૂત સંદેશ સમગ્ર વિશ્વ સુધી પહોંચાડ્યો છે. ઉલ્લેખનીય છે કે 22 જુલાઈએ મુંબઈમાં રક્ષા મંત્રીએ આ ટીમનું વર્ચ્યુઅલ સ્વાગત કર્યું હતું. જ્યારે 11 સપ્ટેમ્બર, 2025ના રોજ તેમણે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ ઐતિહાસિક અભિયાનને લીલી ઝંડી બતાવી હતી.




