ભ્રામક દાવા અને ગંદકી બદલ FSSAI એક્શનમાં, 3 ફૂડ કંપનીના લાઇસન્સ સસ્પેન્ડ

FSSAI License Suspension: ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ ગ્રાહકોના સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણ ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે મોટી કાર્યવાહી કરી છે. ભ્રામક દાવા, અત્યંત ખરાબ સ્વચ્છતા વ્યવસ્થા અને ખાદ્ય સુરક્ષા ધોરણોના ગંભીર ઉલ્લંઘન સામે કાર્યવાહી કરતાં FSSAIએ ત્રણેય કંપનીઓના લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. FSSAIના જણાવ્યા અનુસાર, મેઘાલયની એ.બી. એન્ટરપ્રાઇઝ, ઓડિશાની ઝાઇકા ઓર્ગેનિક્સ (OPC)...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

FSSAI License Suspension: ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ ગ્રાહકોના સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણ ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે મોટી કાર્યવાહી કરી છે. ભ્રામક દાવા, અત્યંત ખરાબ સ્વચ્છતા વ્યવસ્થા અને ખાદ્ય સુરક્ષા ધોરણોના ગંભીર ઉલ્લંઘન સામે કાર્યવાહી કરતાં FSSAIએ ત્રણેય કંપનીઓના લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. FSSAIના જણાવ્યા અનુસાર, મેઘાલયની એ.બી. એન્ટરપ્રાઇઝ, ઓડિશાની ઝાઇકા ઓર્ગેનિક્સ (OPC) પ્રાઇવેટ લિમિટેડ અને નારાયણી ફૂડ્સ એન્ડ બેવરેજીસ સામે નિયમનકારી કાર્યવાહી કરવામાં આવી છે.

એ.બી. એન્ટરપ્રાઇઝ પર ભ્રામક દાવાનો આરોપ
એ.બી. એન્ટરપ્રાઇઝના ઉત્પાદનોના લેબલ અને પ્રમોશનલ સામગ્રીમાં સ્વાસ્થ્ય લાભ સાથે જોડાયેલા દાવા કરવામાં આવતા હોવાનું FSSAIના નિરીક્ષણમાં સામે આવ્યું હતું. પ્રાધિકરણના જણાવ્યા મુજબ આ દાવા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (એડવર્ટાઇઝિંગ એન્ડ ક્લેમ્સ) રેગ્યુલેશન્સ, 2018નું ઉલ્લંઘન છે. આ ઉપરાંત કંપની જરૂરી મેન્યુફેક્ચરિંગ મંજૂરી વિના પોતાના FSSAI લાઇસન્સ હેઠળ ખાદ્ય ઉત્પાદનોનો વેપાર કરતી હોવાનું પણ જાણવા મળ્યું હતું. FSSAIએ કંપનીને સુધારા માટે નોટિસ આપી હતી અને પોતાનો પક્ષ રજૂ કરવા વ્યક્તિગત સુનાવણીની તક પણ આપી હતી. જોકે, કંપની તરફથી કોઈ જવાબ કે સ્પષ્ટતા આપવામાં આવી ન હતી. ત્યારબાદ પ્રાધિકરણે તમામ ફૂડ બિઝનેસ પ્રવૃત્તિઓ આગામી આદેશ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ઝાઇકા ઓર્ગેનિક્સના પ્લાન્ટમાં ગંભીર ગેરરીતિઓ
ઝાઇકા ઓર્ગેનિક્સના પ્લાન્ટના નિરીક્ષણ દરમિયાન સ્વચ્છતા અને સેનિટેશનની અનેક ગંભીર ખામીઓ મળી આવી હતી. FSSAI અનુસાર, ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન, પેકેજિંગ અને સ્ટોરેજ અસ્વચ્છ સ્થિતિમાં થઈ રહ્યું હતું. ખરાબ હાઉસકીપિંગ, જંતુ નિયંત્રણની સમસ્યાઓ, કાટ લાગેલા સાધનો તેમજ કાચા માલ અને તૈયાર ઉત્પાદનોના અયોગ્ય સ્ટોરેજ જેવી ખામીઓ સામે આવી હતી. કેટલાક ઉત્પાદનો અને સામગ્રી પર ઉત્પાદન તારીખ, બેચ નંબર અને ઉપયોગની અંતિમ તારીખ જેવી મહત્વપૂર્ણ વિગતો પણ ઉપલબ્ધ નહોતી. કંપનીને પાલન મૂલ્યાંકનમાં 90માંથી માત્ર 10 માર્ક્સ એટલે કે 12 ટકા મળ્યા હતા. આ સ્કોર 'નૉન-કમ્પ્લાયન્સ' કેટેગરીમાં આવે છે. આ ગંભીર ખામીઓને પગલે કંપનીનું લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

નારાયણી ફૂડ્સમાં પણ સ્વચ્છતાની ગંભીર ખામી
નારાયણી ફૂડ્સ એન્ડ બેવરેજીસ સામે પણ FSSAIએ કડક કાર્યવાહી કરી છે. કંપનીના ઉત્પાદન પરિસરમાં અત્યંત ખરાબ સ્વચ્છતા વ્યવસ્થા અને ફૂડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમમાં ગંભીર ખામીઓ મળી આવી હતી. નિરીક્ષણ દરમિયાન પ્રોસેસિંગ અને સ્ટોરેજ વિસ્તારમાં માખીઓ, કરોળિયાના જાળા, જીવાતોના પ્રવેશના રસ્તા, પાણીના સ્ત્રોતની આસપાસ શેવાળ, કાટ લાગેલા સાધનો અને ખાદ્ય સામગ્રીની નજીક કચરાનો જમાવડો જોવા મળ્યો હતો.

તૈયાર ઉત્પાદનોના સ્ટોરેજની વ્યવસ્થા પણ નિર્ધારિત ધોરણો મુજબ નહોતી. ખાદ્ય સુરક્ષા તાલીમના જરૂરી રેકોર્ડ અને કંટ્રોલ સેમ્પલ સંબંધિત દસ્તાવેજો પણ ઉપલબ્ધ ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. નારાયણી ફૂડ્સને પાલન મૂલ્યાંકનમાં 80માંથી માત્ર 20 માર્ક્સ એટલે કે 25 ટકા મળ્યા હતા, જેના કારણે કંપની પણ 'નૉન-કમ્પ્લાયન્સ' કેટેગરીમાં આવી હતી.

FSSAIનો સ્પષ્ટ સંદેશ
FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. ખાદ્ય સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ અને કંપનીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.