Get News Alerts

Never miss breaking news updates.

વડોદરાના 150 વર્ષ જૂના લક્ષ્મીનારાયણ ખડાયતા મંદિરમાં પ્રથમ વખત 501 કિલો કેરીનો ભવ્ય આમ્રોત્સવ યોજાયો

વડોદરા શહેરમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ ખડાયતા વણિક ટ્રસ્ટ સંચાલિત નીતિભુવન ખાતે પ્રથમ વખત 501 કિલો કેરીના ભવ્ય આમ્રોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ખડાયતા જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રી કોટીયર્ક પ્રભુ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવના સુખાર્થે યોજાયેલા આ અનોખા ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 01 Jun 2026 12:10 PM IST
વડોદરાના 150 વર્ષ જૂના લક્ષ્મીનારાયણ ખડાયતા મંદિરમાં પ્રથમ વખત 501 કિલો કેરીનો ભવ્ય આમ્રોત્સવ યોજાયોવડોદરાના 150 વર્ષ જૂના લક્ષ્મીનારાયણ ખડાયતા મંદિરમાં પ્રથમ વખત 501 કિલો કેરીનો ભવ્ય આમ્રોત્સવ યોજાયો

વડોદરા: શહેરના શ્રી લક્ષ્મીનારાયણ ખડાયતા વણિક ટ્રસ્ટ સંચાલિત નીતિભુવન ખાતે તા. 31 મે, 2026ના રોજ પ્રથમ વખત 501 કિલો કેરીના ભવ્ય આમ્રોત્સવ (કેરી મનોરથ)નું આયોજન કરવામાં આવ્યું હતું. ખડાયતા જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રી કોટીયર્ક પ્રભુ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવના સુખાર્થે યોજાયેલા આ વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજરી આપી હતી.

મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત યોજાયેલા આ કેરી મનોરથને લઈને ભાવિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. 501 કિલો કેરીથી કરવામાં આવેલી ભવ્ય સેવા અને શણગારના દર્શન કરીને ભાવિકો ભક્તિભાવથી અભિભૂત બની ગયા હતા. ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે ભવિષ્યમાં પણ આવા ધાર્મિક મનોરથોનું આયોજન સતત થતું રહે અને સમાજને દિવ્ય દર્શનનો લાભ મળતો રહે.

શ્રી લક્ષ્મીનારાયણ ખડાયતા ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ મંદિર ખડાયતા જ્ઞાતિની આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. મંદિર ખાતે શ્રી કોટીયર્ક પ્રભુ તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે. અંદાજે 150 વર્ષ જૂના આ ઐતિહાસિક મંદિરનો 11 વર્ષ અગાઉ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

મંદિરની એક અનોખી વિશેષતા એ પણ છે કે અહીં છેલ્લા 150 વર્ષથી અખંડ દીપ પ્રજ્વલિત છે, જે ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાનું પ્રતિક માનવામાં આવે છે. વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં વસતા હજારો ખડાયતા જ્ઞાતિજનો માટે આ મંદિર વિશેષ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.

આમ્રોત્સવના સફળ આયોજનમાં સર્વ જ્ઞાતિજનોના સહયોગ ઉપરાંત ઇન્દ્રપ્રસ્થ ખડાયતા ગ્રુપના સભ્યોએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ, સામાજિક એકતા અને ધાર્મિક ઉલ્લાસ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.