Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ પર મેગા કાર્યવાહી: ₹161 કરોડના નેટવર્કનો પર્દાફાશ

ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે સાયબર ગુનેગારો સામે મોટી કાર્યવાહી કરતાં અમદાવાદ અને સુરતમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ ₹161 કરોડથી વધુના સાયબર ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા નેટવર્કનો ભાગ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ 'ઓપરેશન મુલ હન્ટ 2.0' તેમજ ભાવનગર જિલ્લા સહકારી બેંક હેકિંગ કેસ સાથે સંકળાયેલા હોવાનું પણ ખુલ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 03 Jul 2026 03:36 PM IST
ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ પર મેગા કાર્યવાહી: ₹161 કરોડના નેટવર્કનો પર્દાફાશગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ પર મેગા કાર્યવાહી: ₹161 કરોડના નેટવર્કનો પર્દાફાશ

અમદાવાદ ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે રાજ્યવ્યાપી અભિયાન હેઠળ સાયબર ગુનાખોરી સામે મોટી સફળતા મેળવી છે. અમદાવાદ અને સુરતમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ દેશભરમાં ફેલાયેલા સાયબર ફ્રોડ નેટવર્ક સાથે સંકળાયેલા હતા, જેમાં અંદાજે ₹161 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનામાં 'ઓપરેશન મુલ હન્ટ 2.0' અંતર્ગત કુલ 55 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ તમામ આરોપીઓ મળીને અંદાજે ₹802 કરોડના સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા હતા. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર આ મુલ એકાઉન્ટ્સ સામે દેશભરમાં 1,117થી વધુ ફરિયાદો નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે.

ગાંધીનગરમાં નોંધાયેલા એક કેસમાં આરોપી વિશાલ સુરેશભાઈ ડોડિયાએ પોતાના નામે 'ચામુંડા કોમ્યુનિકેશન' નામની પેઢી બનાવી ત્રણ ચાલુ ખાતાં ખોલાવ્યાં હતાં. ત્યારબાદ આ ખાતાઓની વિગતો સાયબર સિન્ડિકેટના સભ્યોને આપી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ખાતાઓ 22 રાજ્યોમાં નોંધાયેલા 253 સાયબર ગુનાઓ સાથે જોડાયેલા હતા. જેમાં મહારાષ્ટ્રના 56, કર્ણાટકના 28 અને ગુજરાતના 23 કેસનો સમાવેશ થાય છે.

બીજી તરફ, ભાવનગર જિલ્લા સહકારી બેંક હેકિંગ કેસમાં બેંકની સિસ્ટમમાં ગેરકાયદે પ્રવેશ કરીને ₹7.34 કરોડથી વધુની રકમ વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ કેસમાં સુરતમાંથી મોહમ્મદ ખાલીક ગુલામ હુસૈન અને સોયબ ગુલાબનબી રાણાની ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત, અન્ય એક કેસમાં અફઝલ પીર મોહમ્મદ મન્સુરીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ તે મુલ એકાઉન્ટ્સ ખોલાવવામાં અને છેતરપિંડીથી મેળવાયેલી રકમ ઉપાડવામાં મદદરૂપ બનતો હતો.

હાલ ગુજરાત પોલીસ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા તેમજ નાણાકીય વ્યવહારોની વધુ તપાસ હાથ ધરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.