ગુજરાતમાં આજથી શરૂ થશે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’, સાયબર ગુનેગારો સામે પોલીસનો મોટો પ્રહાર



ગુજરાતમાં આજથી શરૂ થશે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’, સાયબર ગુનેગારો સામે પોલીસનો મોટો પ્રહાર



ગાંધીનગર ગુજરાતમાં વધતા સાયબર ગુનાઓ અને બેંક ખાતાઓના દુરુપયોગને અટકાવવા રાજ્ય પોલીસ દ્વારા આજથી ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત સાયબર ઠગાઈમાં ઉપયોગમાં લેવાતા ‘મ્યુલ એકાઉન્ટ્સ’ અને તેની સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મોડી રાત્રે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ સહિત પોલીસ વિભાગના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન રાજ્યભરમાં સાયબર ક્રાઇમના નેટવર્કને તોડવા માટે વિશેષ વ્યૂહરચના ઘડવામાં આવી હતી. હર્ષ સંઘવીએ તમામ પોલીસ અધિકારીઓને સાયબર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ અને મ્યુલ એકાઉન્ટ ચલાવનારાઓ સામે કડક અને ઝડપી કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ઓપરેશન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એકસાથે દરોડા, તપાસ અને વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવશે. ખાસ કરીને એવા બેંક ખાતાઓ પર નજર રાખવામાં આવશે, જેનો ઉપયોગ ઓનલાઈન છેતરપિંડી અને ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો માટે કરવામાં આવે છે.
રાજ્ય પોલીસનું માનવું છે કે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ સાયબર ગુનેગારોના નેટવર્કને તોડી પાડવામાં અને નિર્દોષ નાગરિકોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્યભરમાં આજથી શરૂ થનારા આ અભિયાન પર સૌની નજર ટકેલી છે.




