સાવલી તાલુકાના કરચીયા ગામના આધેડની હત્યાનો પોલીસે 36 કલાકમાં ભેદ ઉકેલાયો


સાવલી તાલુકાના કરચીયા ગામના આધેડની હત્યાનો પોલીસે 36 કલાકમાં ભેદ ઉકેલાયો


વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચીયા ગામમાં બનેલી આધેડની હત્યાના કેસમાં જિલ્લા પોલીસે માત્ર 36 કલાકમાં ચોંકાવનારો ભેદ ઉકેલી દીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દમણ ફરવા જવા માટે પૈસાની જરૂર હોવાથી ગામના જ એક સગીરે આધેડ રમણભાઈ રાઠોડીયાની હત્યા કરીને તેમના બે બકરાં લૂંટી લીધા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, મૃતક રમણભાઈ રાઠોડીયા બપોરના સમયે ગામની સીમમાં બકરાં ચરાવવા ગયા હતા. તે દરમિયાન સગીર આરોપીએ તેમના માથામાં લાકડીનો ફટકો મારી હત્યા કરી હતી અને ત્યારબાદ બે બકરાં લઈને ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીએ લૂંટેલા બંને બકરાં રૂ. 9,500માં વેચી દીધા હતા. મળેલી રકમમાંથી તેણે નવા કપડાં અને બુટની ખરીદી કરી હતી તેમજ દમણ ફરવા જવાનું આયોજન કર્યું હતું.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સગીરને દમણ જવા માટે રૂ. 1,600ની જરૂર હતી, પરંતુ પરિવારે માત્ર રૂ. 1,000 આપતા તેણે લૂંટ અને હત્યાનું કાવતરું રચ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરીને હત્યામાં વપરાયેલી લાકડી, લૂંટની રકમમાંથી ખરીદેલા કપડાં અને બુટ સહિતના મુદ્દામાલ કબજે કર્યા છે. સમગ્ર મામલે સાવલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




