વડોદરામાં ખુલ્યા પહેલાં જ નવા બ્રિજ પાસેનો રોડ બેસી ગયો, વરસાદે પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી


વડોદરામાં ખુલ્યા પહેલાં જ નવા બ્રિજ પાસેનો રોડ બેસી ગયો, વરસાદે પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી


વડોદરા: શહેરમાં પડેલા વરસાદ બાદ વડોદરા મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સમા વિસ્તારને ખોડિયારનગર સાથે જોડતા કેનાલ બ્રિજ પાસેનો રોડ અને બોક્સ કલવર્ટ બ્રિજ શરૂ થાય તે પહેલાં જ ધસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ પૃથ્વી સર્કલથી પોદ્દાર સ્કૂલ તરફ જતો નવો બ્રિજ હજુ સુધી જાહેર ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી. તેમ છતાં બ્રિજની બંને બાજુ આવેલા બોક્સ કલવર્ટમાં ધોવાણ શરૂ થઈ ગયું છે અને રોડ અનેક જગ્યાએ બેસી જવા સાથે તિરાડો પણ પડી ગઈ છે.

આ પ્રોજેક્ટનું કામ અંદાજે રૂ. 1.11 કરોડના ખર્ચે આકાર કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કામગીરી પૂર્ણ થયાને હજુ એક મહિનો પણ થયો નથી અને સામાન્ય વરસાદમાં જ રોડ બેસી જતાં કામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે જો સતત બે કલાક ભારે વરસાદ પડે તો આખા બ્રિજના અસ્તિત્વ પર પણ જોખમ ઊભું થઈ શકે છે, જે જાહેર સુરક્ષા માટે ગંભીર મુદ્દો છે.
ઘટનાની જાણ થતાં વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષા વ્યાસ અને સમિતિના સભ્ય ભાણજી પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક સમારકામ શરૂ કરવા તેમજ વરસાદી મોસમ દરમિયાન કોઈ અકસ્માત ન બને તે માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાના આદેશ આપ્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વિકાસના કામોની ગુણવત્તા અને દેખરેખ અંગે ચર્ચા જગાવી છે.




