વડોદરા એરપોર્ટ પરથી એર કાર્ગો સેવાનો પુનઃપ્રારંભ, સ્થાનિક ઉદ્યોગોને મળશે મોટી રાહત


વડોદરા એરપોર્ટ પરથી એર કાર્ગો સેવાનો પુનઃપ્રારંભ, સ્થાનિક ઉદ્યોગોને મળશે મોટી રાહત


Vadodara Airport Air Cargo Service: વડોદરાના ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી પ્રતીક્ષિત વડોદરા એરપોર્ટ પરથી એર કાર્ગો સેવાનો વિધિવત પુનઃપ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધા શરૂ થતાં હવે સ્થાનિક ઉદ્યોગોને પોતાના કાર્ગો કન્ટેનર અન્ય શહેરોમાં લઈ જવાની જરૂર નહીં રહે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં નોંધપાત્ર બચત થશે.
વડોદરા એરપોર્ટ ખાતે આઉટબાઉન્ડ એર કાર્ગો કામગીરીના પુનઃપ્રારંભ નિમિત્તે વિશેષ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં વડોદરાના લોકસભા સાંસદ ડૉ. હેમાંગ જોશી, ભાજપ શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, મેયર, ડેપ્યુટી મેયર, એરપોર્ટ ડિરેક્ટર તેમજ શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉ વડોદરાના ઉદ્યોગકારોને પોતાના કાર્ગો કન્ટેનર મોકલવા માટે 100 કિલોમીટરથી વધુ દૂર આવેલા એરપોર્ટનો સહારો લેવો પડતો હતો. જેના કારણે પરિવહન ખર્ચ, સમય અને માનવબળનો વધારાનો બોજ સહન કરવો પડતો હતો. હવે વડોદરા એરપોર્ટ પરથી જ એર કાર્ગો સેવા ઉપલબ્ધ બનતાં સ્થાનિક ઉદ્યોગોને સીધો લાભ મળશે અને વેપાર-ઉદ્યોગને નવી ગતિ મળશે.
પ્રસંગે સાંસદ ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે એર કાર્ગો સેવાનો પુનઃપ્રારંભ વડોદરાના ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું છે. જ્યારે ભાજપ શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ આ સુવિધા વડોદરાના વેપાર અને નિકાસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરી હતી. એફજીઆઈ (FGI)ના અધ્યક્ષ સમીર ખેરાએ જણાવ્યું હતું કે લાંબા સમયથી ઉદ્યોગકારો આ સુવિધાની માંગ કરી રહ્યા હતા અને હવે તે શરૂ થતાં સ્થાનિક ઉદ્યોગોને સ્પર્ધાત્મકતા વધારવામાં મોટી મદદ મળશે.




