દક્ષિણ ગુજરાતમાં વરસાદી સંકટ: CM ભૂપેન્દ્ર પટેલની હાઈ લેવલ બેઠક, NDRF-SDRFની વધારાની ટીમો તૈનાત


AI Generated Images
દક્ષિણ ગુજરાતમાં વરસાદી સંકટ: CM ભૂપેન્દ્ર પટેલની હાઈ લેવલ બેઠક, NDRF-SDRFની વધારાની ટીમો તૈનાત


AI Generated Images
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને પગલે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લામાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સીધી ટેલિફોનિક વાતચીત કરીને વરસાદ, નદીના જળસ્તર, સ્થળાંતર અને રેસ્ક્યુ કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે પાણીમાં ફસાયેલા લોકો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોના બચાવ અને સ્થળાંતરને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે.
PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મદદની ખાતરી
ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ કેન્દ્ર સરકાર તરફથી રાહત, બચાવ અને સુરક્ષા કામગીરી માટે તમામ પ્રકારની સહાય ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.
પ્રભાવિત જિલ્લાઓમાં મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ રવાના
મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ વરિષ્ઠ સચિવો રેમ્યા મોહન અને આલોક પાંડેને અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલી સ્થાનિક વહીવટી તંત્રને માર્ગદર્શન આપવા સૂચના આપી છે. ઉપરાંત, હવામાન વિભાગે જ્યાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તે તમામ જિલ્લાઓના પ્રભારી સચિવોને પણ તાત્કાલિક સ્થળ પર પહોંચવાના આદેશ આપવામાં આવ્યા છે.
NDRF-SDRFની વધુ ટીમો તૈનાત
રાજ્ય સરકારે સુરત, વલસાડ અને નવસારીમાં NDRF અને SDRFની વધારાની ટીમો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. હાલ સુરતમાં 3 NDRF અને 5 SDRF ટીમો, વલસાડમાં 2 NDRF અને 4 SDRF ટીમો કાર્યરત છે. વલસાડ માટે વધારાની NDRF અને SDRF ટીમો સાથે આર્મીના 70 જવાનો, બોટ અને ફાયર ટીમ પણ મોકલવામાં આવી રહી છે.
43 ઇંચ વરસાદથી ઉમરગામમાં વિકટ સ્થિતિ
રાહત કમિશનર ગૌરવ મકવાણાના જણાવ્યા મુજબ છેલ્લા 28 કલાકમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં અંદાજે 43 ઇંચ વરસાદ નોંધાયો છે. વાપી અને કપરાડા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે.
હજારો લોકોનું સ્થળાંતર, 1200થી વધુનું રેસ્ક્યુ
રાજ્યભરમાં અત્યાર સુધીમાં અંદાજે 1200થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં 1500 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે નવસારીમાં કાવેરી નદીના પૂરથી પ્રભાવિત 11 ગામોમાંથી 200 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
માર્ગો, વીજળી અને આરોગ્ય પર ખાસ ધ્યાન
મુખ્યમંત્રીએ માર્ગ-મકાન વિભાગને પાણી ઓસરતાં જ ઓવરટોપિંગ, એપ્રોચ રોડ અને ડાયવર્ઝન ધોવાણને કારણે બંધ થયેલા રસ્તાઓ યુદ્ધના ધોરણે ફરી શરૂ કરવા સૂચના આપી છે. તે માટે 3400થી વધુ ડમ્પર અને 1100થી વધુ JCB મશીનો તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે જ આરોગ્ય વિભાગને પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે દવાઓનો પૂરતો જથ્થો, સફાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત રાખવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.
તંત્ર હાઈ એલર્ટ પર
રાજ્ય સરકાર દ્વારા તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જરૂરિયાત ઊભી થાય તો એરફોર્સ અને કોસ્ટગાર્ડની મદદ પણ લેવામાં આવશે. હાલ હવામાન અનુકૂળ થતાં જ વધુ રાહત કામગીરી હાથ ધરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.




