પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ATSનું મેગા ઓપરેશન: Jaish-e-Mohammed સાથે સંકળાયેલા 5 શંકાસ્પદ ડિટેન


પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ATSનું મેગા ઓપરેશન: Jaish-e-Mohammed સાથે સંકળાયેલા 5 શંકાસ્પદ ડિટેન


પાટણ: અષાઢી બીજની રથયાત્રા પૂર્વે સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગુજરાત ATS અને મધ્યપ્રદેશ ATS દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન ચલાવી પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા હોવાની શંકા હેઠળ વધુ પાંચ શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ સ્થાનિક પોલીસના સહયોગથી સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અનેક સ્થળોએ દરોડા અને પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં અગાઉ સિદ્ધપુરમાંથી ત્રણ, પાલનપુરમાંથી ત્રણ અને ચીખલીમાંથી એક શંકાસ્પદ આતંકી ઝડપાયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આતંકી નેટવર્કના તાર સિદ્ધપુર તાલુકામાં વધુ સક્રિય હોવાની માહિતી મળતાં ATSએ અહીં તપાસ વધુ સઘન બનાવી છે.
તપાસના ભાગરૂપે ATSની ટીમે સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામના મોહમદ અમીન શેરાના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરી હતી. પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી હતી તેમજ તેણે ખરીદેલા શંકાસ્પદ સામાન અંગે માહિતી મેળવવા ઝાપલીપોલ સહિતના બજારોમાં પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોડી સાંજ સુધી ચાલેલી પૂછપરછના આધારે આગામી દિવસોમાં આ સમગ્ર આતંકી નેટવર્ક અંગે વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તપાસ ચાલુ હોવાથી અધિકારીઓએ હજુ સુધી તમામ વિગતો સત્તાવાર રીતે જાહેર કરી નથી.




