કચ્છના રેલવે ઇતિહાસમાં ઐતિહાસિક સિદ્ધિ: સામાખિયાળી-ભચાઉ નવી રેલ લાઇન પર 130 કિમી પ્રતિ કલાકની સ્પીડ ટ્રાયલ સફળ


કચ્છના રેલવે ઇતિહાસમાં ઐતિહાસિક સિદ્ધિ: સામાખિયાળી-ભચાઉ નવી રેલ લાઇન પર 130 કિમી પ્રતિ કલાકની સ્પીડ ટ્રાયલ સફળ


Samakhiyali Bhachau Railway Quadrupling: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ કચ્છના રેલવે વિકાસમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. સામાખિયાળી અને ભચાઉ વચ્ચે નવી બનાવાયેલી ત્રીજી અને ચોથી રેલ લાઇન પર 130 કિમી પ્રતિ કલાકની ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી છે. આ ટ્રાયલ દરમિયાન પશ્ચિમ સર્કલના રેલ સુરક્ષા આયુક્ત (CRS) ઈ. શ્રીનિવાસ દ્વારા સમગ્ર પ્રોજેક્ટનું વિગતવાર સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) વેદ પ્રકાશ તથા મુખ્ય વહીવટી અધિકારી (બાંધકામ) પ્રદીપ ગુપ્તા સહિત રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી ત્રીજી અને ચોથી રેલ લાઇનના નિર્માણથી કંડલા અને મુન્દ્રા બંદરો સુધી માલ પરિવહન વધુ ઝડપી અને કાર્યક્ષમ બનશે. સાથે જ રેલવે નેટવર્કની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, જેના કારણે મુસાફર તેમજ માલગાડીઓનું સંચાલન વધુ સુરક્ષિત, સરળ અને સમયબદ્ધ બની શકશે.
આ પ્રોજેક્ટ કચ્છ વિસ્તારમાં ઉદ્યોગ, વેપાર, પ્રવાસન, રોકાણ અને રોજગારીને નવી દિશા આપશે. ઉપરાંત 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં પણ આ રેલવે પ્રોજેક્ટ મહત્વપૂર્ણ યોગદાન આપશે. 130 કિમી પ્રતિ કલાકની સફળ સ્પીડ ટ્રાયલ અને CRS સુરક્ષા નિરીક્ષણ બાદ રેલવે અધિકારીઓએ આ સિદ્ધિને કચ્છના રેલવે વિકાસ માટે ઐતિહાસિક ગણાવી છે. હવે જરૂરી મંજૂરીઓ પૂર્ણ થયા બાદ આ નવી લાઇનો પર નિયમિત ટ્રેન સંચાલન શરૂ થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું આગળ વધ્યું છે.




