પોરબંદરમાં પાણીની અછત સામે સરકારનું મોટું આયોજન, સૌની યોજના દ્વારા ડેમ-તળાવો ભરાશે



પોરબંદરમાં પાણીની અછત સામે સરકારનું મોટું આયોજન, સૌની યોજના દ્વારા ડેમ-તળાવો ભરાશે



Porbandar Sauni Yojana: પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે ઓછો વરસાદ નોંધાતા આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા તથા સિંચાઈ અને પાણી પુરવઠાના પ્રશ્નોના કાયમી-ઝડપી ઉકેલ માટે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ખાસ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની હાજરીમાં જળસંપત્તિ, સિંચાઈ, શહેરી વિકાસ અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન પોરબંદર વિસ્તારમાં પાણીની અછત ન સર્જાય તે માટે હયાત સોર્સ અને સૌની યોજનાના મહત્તમ ઉપયોગ સાથે આગોતરું આયોજન તૈયાર કરવામાં આવ્યું હતું. આ તકે બંને મંત્રીશ્રીઓ દ્વારા સંબંધિત વિભાગોના અધિકારીઓને મહત્વપૂર્ણ કામગીરીઓ હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તાર માટે ફેઝ-1 અંતર્ગત પ્રગતિ હેઠળના કામોની સાથે ફેઝ-૨માં સમાવિષ્ટ કામગીરી ઉપરાંત ફેઝ-૨ના કામોનું માઇક્રોલેવલ પ્લાનિંગ કરી બિનજરૂરી વિલંબ વગર કામો સમયસર પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે.
વધુમાં વન વિસ્તારની સિંચાઈ યોજનાઓ જેમાં બરડા વન વિસ્તારમાં આવેલી દિપડાઝર સિંચાઈ યોજના માટે જમીન તબદીલીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા અને સરમણી સિંચાઈ યોજના માટે વન વિભાગ સાથે સંકલન સાધીને કામગીરી સત્વરે શરૂ કરવા સૂચના અપાઈ છે. ઉપરાંત અડવાણા ગામ પાસેની સોરઠી સિંચાઈ યોજના ઓવરફ્લો થવાથી નદીમાં વહી જતા પાણીને પાઈપલાઈનના માધ્યમથી નજીકના અડવાણા સિંચાઈ યોજનામાં સંગ્રહ કરવા અંગેના પાઈપલાઈન પ્રોજેક્ટની શક્યતાઓ ચકાસી સમયસર આયોજન કરવા જણાવાયું છે. સાથે જ, કટોકટીના સમયે સૌની નેટવર્કથી ઇનટેક સ્ટ્રક્ચર સુધી જરૂરી એપ્રોચ ચેનલના કામો ઈમરજન્સી ધોરણે પૂર્ણ કરવા આદેશ આપ્યા છે. પોરબંદર શહેરી વિસ્તારમાં આવેલા સુકાળા તળાવની ઊંડાણ અને પહોળાઈ વધારી તેની જળસંગ્રહ ક્ષમતા વધારવાના કામો ત્વરિત હાથ ધરવા તથા એરપોર્ટ વિસ્તૃતિકરણ હેઠળ આવતા વિસ્તારના ડ્રેઈન-કાંસના કામો ઝડપથી પૂરા કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
મંત્રીએ ચાલુ વર્ષ ૨૦૨૬ના નબળા ચોમાસાને ધ્યાને રાખીને પોરબંદર જિલ્લાના તમામ ડેમો, સિંચાઈ યોજનાઓ અને તળાવોને 'સૌની યોજના' મારફત જણાવાયું છે. વધુમાં, હયાત સૌની યોજનાના નેટવર્કને અપગ્રેડ કરી તેની ૭.૦ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તળાવો અને ડેમો પાણીથી ભરી દેવા માટે વિભાગને ચોક્કસ આયોજન હાથ ધરવા જણાવાયું છે. મંત્રીઓએ સ્પષ્ટ કર્યું હતું કે તમામ વિભાગો પરસ્પર સંકલન રાખીને કામ કરે જેથી પોરબંદર જિલ્લાના ગ્રામીણ કે શહેરી વિસ્તારના એક પણ નાગરિકને પીવા માટે કે ખેડૂતને સિંચાઇ માટે પાણીની તકલીફનો સામનો ન કરવો પડે તે
જરૂરી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




