અમેરિકાની ધરતી પર મોરારીબાપુની 40મી રામકથા, હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં ‘માનસ ગુરુ પ્રસાદ’નો પ્રારંભ


અમેરિકાની ધરતી પર મોરારીબાપુની 40મી રામકથા, હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં ‘માનસ ગુરુ પ્રસાદ’નો પ્રારંભ


Morari Bapu Ram Katha USA: જાણીતા રામકથાકાર મોરારીબાપુની અમેરિકાની ધરતી પરની 40મી રામકથાનો પવિત્ર પ્રારંભ થયો છે. તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં ‘માનસ ગુરુ પ્રસાદ’ શીર્ષક અંતર્ગત આયોજિત આ રામકથાનું મંગલ ગાન 15 ઓગસ્ટના ભારતના સ્વાતંત્ર્ય પર્વના દિવસે અમેરિકાની વિશ્વપ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટર, મેમોરિયલ હોલ ખાતેથી શરૂ થયું હતું. આ મોરારીબાપુની કુલ કથાક્રમની 982મી રામકથા છે. ખાસ વાત એ છે કે અમેરિકાની ધરતી પર મોરારીબાપુ અગાઉ 39 વખત રામકથા કરી ચૂક્યા છે અને હવે 40મી વખત અમેરિકામાં તલગાજરડી વ્યાસપીઠ મુખર થઈ છે. આ કથાનું આયોજન લોર્ડ ડોલર પોપટ અને પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.

તુલસી જન્મોત્સવની વિશેષ ઉજવણી
આ વખતની રામકથાની વિશેષતા એ છે કે મોરારીબાપુ અમેરિકામાં તુલસી જન્મોત્સવની ઉજવણી કરશે. શ્રાવણ સુદ સાતમ એટલે કે તુલસી જયંતિના ઉપલક્ષ્યમાં બાપુ ભારતના વિવિધ ભાગોમાંથી 50 કથાકારોને અમેરિકા લઈ ગયા છે. તુલસીદાસજી મહારાજની સ્મૃતિમાં યોજાતો આ વિશેષ કાર્યક્રમ રામચરિત માનસ અને રામાયણના ચિંતન-મનન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

2010થી તુલસી જન્મોત્સવની જાહેર ઉજવણી
મોરારીબાપુએ વર્ષ 2010થી તુલસી જન્મોત્સવની જાહેર ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે તુલસી જન્મ જયંતિના અવસરે ભારતના વિવિધ પ્રાંતોના રામકથાના ગાયકો, કથાવાચકો, રામચરિત માનસના ચિંતકો તથા રામકથાના ક્ષેત્રમાં યોગદાન આપતી સંસ્થાઓમાંથી પસંદગી કરીને તેમના યોગદાન બદલ તુલસી એવોર્ડથી સન્માનિત કરવાનો ઉપક્રમ શરૂ થયો હતો.
સમય જતાં આ પરંપરામાં વ્યાસ એવોર્ડ અને વાલ્મીકિ એવોર્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યો. વર્ષ 2010થી 2024 સુધી દર વર્ષે કૈલાસ ગુરુકુળ ખાતે આ કાર્યક્રમ યોજાતો રહ્યો હતો. ત્યારબાદ ગત વર્ષે તુલસીદાસજીના જન્મસ્થળ રાજાપુર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પ્રથમ વખત આ વિશેષ કાર્યક્રમ અમેરિકાની ધરતી પર યોજાઈ રહ્યો છે.
‘રામચરિત માનસ’ને બાપુ માને છે સદ્ગુરુ
મોરારીબાપુ માટે રામચરિત માનસ સ્વયં સદ્ગુરુ સમાન છે. તેઓ રામચરિત માનસને પ્રભુ રામનું વાંગ્મય સ્વરૂપ માને છે. તુલસીદાસજી મહારાજના પાવન સ્મરણમાં દર વર્ષે રામચરિત માનસ અને રામાયણ પર વિશેષ ચિંતન-મનન માટે વિદ્વાન કથાકારો અને ચિંતકોને આમંત્રિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિવિધ વિદ્વાનો રામાયણ અને રામચરિત માનસ અંગે પોતાના વિચારો અને નવા ચિંતન રજૂ કરે છે. મોરારીબાપુ પણ શ્રોતા તરીકે વિનમ્રતા અને એકાગ્રતાથી આ વિચારોનું શ્રવણ કરે છે.
રામકથા સાથે વિદ્વાનોના વ્યાખ્યાનો પણ યોજાશે
રામકથાની સાથે સાંજની સભામાં વિવિધ વિદ્વાન વક્તાઓના વ્યાખ્યાનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકામાં વસતા ગુજરાતી અને ભારતીય સમુદાય ઉપરાંત રામકથા તથા રામચરિત માનસમાં રસ ધરાવતા શ્રોતાઓને આ કાર્યક્રમમાં જોડાવાનો અવસર મળશે.
સ્વાતંત્ર્ય પર્વના દિવસે કથાનો પ્રારંભ
ખાસ યોગાનુયોગ એ છે કે મોરારીબાપુની આ રામકથાનો પ્રારંભ 15 ઓગસ્ટ, ભારતના સ્વાતંત્ર્ય દિવસના રોજ થયો છે. અમેરિકાની ધરતી પર ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતી આ રામકથા સાથે તુલસી જન્મોત્સવની ઉજવણી પણ જોડાઈ રહી છે. મોરારીબાપુની 40મી અમેરિકન રામકથા અને કુલ 982મી રામકથાનો આ પ્રારંભ ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિશેષ મહત્વ ધરાવે છે.




