અમદાવાદના ખાડિયામાં કુખ્યાત મોન્ટુ નામદારનો આતંક! પોલીસકર્મી સાથે ગેરવર્તનનો વીડિયો વાયરલ



અમદાવાદના ખાડિયામાં કુખ્યાત મોન્ટુ નામદારનો આતંક! પોલીસકર્મી સાથે ગેરવર્તનનો વીડિયો વાયરલ



અમદાવાદ: શહેરના ખાડિયા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખાડિયા વિસ્તારમાં દાદાગીરી માટે ચર્ચામાં રહેતો મોન્ટુ નામદાર પોલીસ કર્મચારી સાથે ઉદ્ધત વર્તન કરતો હોવાનું જોવા મળી રહ્યું છે.
સામે આવેલા લેટેસ્ટ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પોલીસની પકડમાં હોવા છતાં કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર સરકારી ગાડીમાં જ બેઠા-બેઠા પોલીસકર્મીને અપશબ્દો બોલી રહ્યો છે અને તેમને ધમકાવી રહ્યો છે. ખાડિયાની પોળમાં બનેલી આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં જ સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ કર્મચારીના અપમાનનો આ વીડિયો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા જ, પોલીસે તાત્કાલિક મામલે તપાસ હાથ ધરી છે અને આરોપી સામે કડક કાયદાકીય પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના એક કાર્યકર્તાની હત્યાના કેસમાં સંડોવાયેલો મુખ્ય આરોપી મોન્ટુ નામદાર તાજેતરમાં જ ફર્લો જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી મુક્ત થતાં જ તેણે કાયદાના લીરેલીરા ઉડાડવાનું શરૂ કરી દીધું હતું. તેણે પોતાના સાગરીતો જીજ્ઞેશ રામી અને ફિરોજ સાથે મળીને ખાડિયા વિસ્તારમાં ભારે હંગામો મચાવ્યો હતો. આ ગુનેગારોએ રસ્તો રોકીને જાહેરમાં ફટાકડા ફોડ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
આટલું જ નહીં, મોન્ટુએ હત્યાના કેસની એક સાક્ષી મહિલાને જાહેરમાં અપશબ્દો કહી તેના આખા પરિવારને ખતમ કરી નાખવાની ગંભીર ધમકી આપી હતી. આનાથી ડરી ગયેલી મહિલાએ તાત્કાલિક 112 કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસની મદદ માંગી હતી, જેના કારણે આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ કેસમાં આરોપીને ઝડપી લેવાતા ગુંડાતત્વએ PCR વાનના કર્મીઓ સાથે રકઝક કરી મનફાવે તેમ શબ્દો ઉચાર્યા હતા. જેનો વીડિયો વાઈરલ થતાં જ લોકો કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. બીજી તરફ આ મામલે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ કાયદો-વ્યવસ્થા પર સવાલો ઊઠ્યા છે. હવે ખાડિયા પોલીસ મોન્ટુ નામદારના ફર્લો જામીન રદ કરાવવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવાની તૈયારી કરી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



