જૂનાગઢમાં ગુજસીટોક હેઠળ સૌથી મોટી કાર્યવાહી, રવની ગેંગની રૂ.2.96 કરોડની મિલ્કતો જપ્ત


જૂનાગઢમાં ગુજસીટોક હેઠળ સૌથી મોટી કાર્યવાહી, રવની ગેંગની રૂ.2.96 કરોડની મિલ્કતો જપ્ત


જૂનાગઢ: જિલ્લામાં ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે જૂનાગઢ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક (GUJCTOC) એક્ટ હેઠળ કુખ્યાત રવની ગેંગ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં સંગઠિત ગુનાખોરી દ્વારા હસ્તગત કરવામાં આવેલી અંદાજે રૂ.2.96 કરોડની સ્થાવર અને જંગમ મિલ્કતો જપ્ત કરવામાં આવી છે.
જૂનાગઢ ડીવાયએસપી હિતેષ ધાધલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ રૂ.2,96,48,167ની મિલ્કતો ટાંચમાં લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે સંગઠિત ટોળકીઓ દ્વારા ગેરકાયદેસર રીતે વસાવાયેલી સંપત્તિ સામે કડક કાર્યવાહી કરવાનો આ અભિયાનનો મુખ્ય હેતુ છે.
શું-શું જપ્ત કરવામાં આવ્યું?
- 123 વિઘા ખેતીની જમીન, કુલ 11 અલગ-અલગ જમીનના ટુકડા
- બેંકમાં રહેલી 3 ફિક્સ ડિપોઝિટ (FD)
- 5 વાહનો, જેમાં JCB મશીન, બુલેટ મોટરસાયકલ અને સ્પ્લેન્ડર બાઈકનો સમાવેશ થાય છે.
ગુજસીટોક હેઠળ ગેંગ પર કડક કાર્યવાહી
પોલીસના જણાવ્યા મુજબ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સંગઠિત ગુનાખોરો સામે ગુજસીટોક એક્ટ હેઠળ આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી મિલ્કતો જપ્ત કરીને ગુનાખોરીના આર્થિક માળખાને નબળું પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે
જૂનાગઢ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા સંગઠિત ગુનાખોરીને નાથવા માટે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ પગલાથી ગુનાખોરોમાં કાયદાનો ભય વધશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક અંકુશ આવશે.




