ગુજરાતને મળ્યો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026, બાગાયત ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય ગૌરવ


ગુજરાતને મળ્યો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026, બાગાયત ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય ગૌરવ


Gujarat Agriculture Leadership Award 2026: ગુજરાતના કૃષિ ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. રાજ્યના કૃષિ વિભાગને વર્ષ 2026નો પ્રતિષ્ઠિત 'એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. બાગાયત ક્ષેત્રે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીમાં યોજાયેલા 17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્કલેવમાં આ સન્માન આપવામાં આવ્યું હતું.
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહના હસ્તે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય કૃષિ મંત્રી રમેશભાઈ કટારાએ આ ગૌરવપૂર્ણ એવોર્ડ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સમગ્ર મંત્રીમંડળ સમક્ષ પ્રસ્તુત કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળે કૃષિ વિભાગના અધિકારીઓ અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ બાગાયત ક્ષેત્રમાં નવીન યોજનાઓ, આધુનિક ખેતી પદ્ધતિઓ અને ખેડૂતોના વિકાસ માટે કરવામાં આવેલા પ્રયાસોના પરિણામે ગુજરાતને આ પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે કૃષિ ક્ષેત્રે સતત નોંધપાત્ર કામગીરી કરી છે. અગાઉ પણ વર્ષ 2009, 2014 અને 2018માં ગુજરાતને શ્રેષ્ઠ કૃષિ રાજ્ય તરીકે રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યું હતું. હવે એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026 મળવાથી રાજ્યના કૃષિ વિકાસને વધુ એક મોટી ઓળખ મળી છે.




